જાણો સેબીએ કઇ ચાર કંપનીના આઈપીઓ દસ્તાવેજો પરત કર્યા?
નિલેશ વાઘેલા
મુંબઈ: એક તરફ જ્યારે મૂડીબજારમાં તેજીનો પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ચાર કંપનીઓના આઈપીઓ ડ્રાફ્ટ દસ્તાવેજો પરત કર્યા છે, જેમાં સુપરમાર્ટ મેજર વિશાલ મેગા માર્ટ, શિક્ષણ-કેન્દ્રિત એનબીએફસી અવાન્સ ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ખાનગી ઈક્વિટી મેજર ટીપીજી કેપિટલ સમર્થિત સાઈ લાઈફ સાયન્સનો સમાવેશ થાય છે.
મંગળવારે ૩૦ જુલાઈના રોજ નિયમનકાર પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર આ ઉપરાંત બીએમડબલ્યુ વેન્ચર્સનો ઑફર દસ્તાવેજ પણ પરત કરવામાં આવ્યો હતો. કંપનીના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) પેપર્સ સેબી દ્વારા પહેલી જુલાઈના રોજ પ્રાપ્ત થયા હતા.
આ પણ વાંચો: યુએસ, ઇંગ્લેન્ડ અને જાપાન પર નજર સાથે નિફટી 25,000 તરફ કૂચ કરે એવી સંભાવના
બજાર નિયામક સેબીએ આ ચાર કંપનીઓના ઑફર દસ્તાવેજો “સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ, ૨૦૧૮ ના નિયમન ૭(૧) (એ) નું પાલન ન કરવાના કારણસર, ૨૪ જુલાઈ, ૨૦૨૪ના રોજ પરત કર્યા છે.
ઉપરોક્ત નિયમન મુજબ, પ્રારંભિક જાહેર ઓફર કરનાર કંપનીઓએ એ ખાતરી કરવી અનિવાર્ય છે કે તેણે તેની નિર્દિષ્ટ સિક્યોરિટીઝ સૂચિબદ્ધ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા માટે એક અથવા વધુ સ્ટોક એક્સચેન્જને અરજી કરી હોવી જોઇએે. આવા સ્ટોક એક્સચેન્જો પર અને તેમાંથી એકને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે પસંદ કર્યું હોવું પણ આવશ્યક છે.