REGULATION મંત્રાલય સુરક્ષા યોજનાનો તબક્કો 2 મંજૂર; ડ્રોનનો ઉપયોગ, મુલાકાતીઓની તપાસ ફરજિયાત
મુંબઈ: હાઈ પાવર કમિટીએ મંત્રાલય સુરક્ષા યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી છે, જેમાં ડ્રોનના ઉપયોગને અધિકૃત કરવામાં આવ્યો છે અને મુલાકાતીઓની સરકારી મુખ્યાલયમાં પ્રવેશવા પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ગૃહ વિભાગે યોજનાના અમલ માટે રૂ. 41.75 કરોડનું બજેટ ફાળવ્યું છે.
અસામાજિક તત્વો દ્વારા મંત્રાલય પરિસરમાં રીલ બનાવવા અને કેબિનેટ મીટિંગના દિવસોમાં વધતા જતા લોકોની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં લેતાં રાજ્યના ગૃહ વિભાગે સુરક્ષાના પગલાં વધારવા માટે વ્યૂહરચના ઘડી છે.
પ્રથમ તબક્કામાં મુલાકાતીઓના વાહનોને પ્રતિબંધિત કર્યા હતા અને પ્રવેશ દ્વાર પર વિભાગીય પત્રો માટે કાઉન્ટરો સ્થાપિત કર્યા હતા, ગૃહ વિભાગ હવે સુરક્ષા પ્રોટોકોલને વધુ કડક કરવા માટે વિચારી રહ્યું છે.
બીજા તબક્કામાં તમામ ગેટ પર મુલાકાતી વ્યવસ્થાપન પ્રણાલી શરૂ કરવામાં આવશે, જે મંત્રાલયની મુલાકાત માટે ચોક્કસ કારણો વગરના લોકોના પ્રવેશને મર્યાદિત કરે છે. વધારાના પગલાંમાં મુલાકાતીઓનો સમય મર્યાદિત કરવો, સીસીટીવી-આધારિત ચહેરાની ઓળખ યંત્રણાનો અમલ કરવો અને ડ્રોનનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
શુક્રવારે જારી કરાયેલા સરકારી ઠરાવ મુજબ કુલ બજેટમાંથી સીસીટીવી નેટવર્ક માટે રૂ. 1.64 કરોડ, ડ્રોન માટે રૂ. 40.57 લાખ, કમાન્ડ અને કંટ્રોલ રૂમ માટે રૂ. 6.63 કરોડ અને કસ્ટમાઈઝ્ડ પાસ મેનેજમેન્ટ સિસ્ટમ માટે રૂ. 6.20 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ એવી માહિતી આપી હતી કે કેબિનેટ મીટિંગના દિવસોમાં 3,000 થી વધુ લોકો આવતા હોય છે, જ્યારે લગભગ તમામ પ્રધાનો મંત્રાલયમાં હાજર હોય છે. અમને ભીડ વ્યવસ્થાપન અને વીવીઆઈપી સુરક્ષા માટે આ જોખમી લાગે છે.
અધિકારીએ ઉમેર્યું હતું કે તેઓ મુલાકાત લેવાના સમયના આધારે પ્રવેશને મર્યાદિત કરવાની યોજના ધરાવે છે અને ચોક્કસ વિભાગોને લોકોએ ઍક્સેસ કરવાની જરૂર છે.
કેટલાક મુલાકાતીઓ વિવિધ વિભાગોમાં ભટકતા હોય છે, કર્મચારીઓ અને અધિકારીઓને ખલેલ પહોંચાડે છે અને સરકારની છબીને હાનિકારક એવી ‘મિડલમેન’ સંસ્કૃતિને ઉત્તેજન આપે છે. આવા વ્યક્તિઓને પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.