મુંબઈમાં ઓક્ટોબર મહિનામાં વરસાદનો રેકોર્ડ:

૧૬૫ મિ.મી. વરસાદ નોંધાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગુરુવારે વરસાદે થોડો વિરામ લીધા બાદ શુક્રવાર સવારથી વાદળિયુંવાતાવરણ રહ્યા બાદ પણ દિવસભર વરસાદ વરસ્યો હતો. નૈર્ઋત્યના ચોમાસાએ આઠ ઑક્ટોબરના વિદાય લીધા બાદ પણ મુંબઈમાં વરસાદ ચાલુ જ રહ્યો છે. આ વર્ષનો ઓક્ટોબર ભીનો રહ્યો છે અને કોલાબામાં સરેરાશ ૧૬૫ મિ.મી. વરસાદ નોંધાયો છે, જે છેલ્લા ત્રણ વર્ષનો ઓક્ટોબરનો હાઈએસ્ટ વરસાદ છે.
મુંબઈમાં સામાન્ય રીતે આ સમયગાળામાં મુંબઈગરા ઓક્ટોબર હીટનો અનુભવ કરતા હોય છે પણ આ વર્ષે મુંબઈમાં ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાય બાદ પણ સતત વરસાદી માહોલ રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સરેરાશ ૧૩૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ૨૦૨૩ની સાલમાં માત્ર ૨૪.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તેની સામે આ વર્ષે કુલ વરસાદ પણ સામાન્ય કરતાં ૯૧.૨ મિ.મી. વધુ નોંધાયો છે.
કોલાબામાં સરેરાશ ૧૬૫ મિ.મી. વરસાદ સામે સાંતાક્રુઝમાં આ વર્ષે ઓક્ટોબરમાં સરેરાશ ૭૩.૧ મિ.મી. વરસાદ નોંધાયો છે. દિવાળીના અઠવાડિયાની આસપાસ ઘણા કમોસમી વરસાદના ઝાપટા રહ્યા હતા, તેને કારણે દિવાળીની ઊજવણીમાં ભંગ પડ્યો હતો. ઓક્ટોબર બાદ હવે આજથી શરૂ થઈ રહેલા નવેમ્બર મહિનામાં પણ વરસાદ રહેવાનો છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચાર નવેમ્બર સુધી મુંબઈ, થાણે અને પાલઘરમાં હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડીપ ડિપ્રેશ તેમ જ ડિપ્રેશન સાથે સંકળાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને સાથે ચાલતા ટ્રફને આભારી છે.
દિવસભરના હળવા વરસાદને કારણે જોકે દિવસના તાપમાનમાં ઘટાડો કર્યો હતો. દિવસ દરમ્યાન કોલાબામાં ૩૧ ડિગ્રી અને સાતાંક્રુઝમાં ૩૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૩.૩ ડિગ્રી અને ૪.૭ ડિગ્રી ઓછું હતું. તો કોલાબામાં અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૨૪.૮ ડિગ્રી અને ૨૪.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે કોલાબામાં સામાન્ય હતું પણ સાંતાક્રુઝમાં સામાન્ય કરતા ૧.૯ ડિગ્રી વધારે હતું.



