ફડણવીસની શપથગ્રહણનું મુર્હુત 5 તારીખ જ કેમ? કોણે સૂચવ્યું છે મુર્હુત…
મુંબઈ: મહારાષ્ટ્રમાં નવનિર્મિત સરકારના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ આજે શપથ લેવાના છે. જો કે સરકારની શપથવિધી દરમીયાન જ હિન્દુત્વની ઝલક મળી રહે તે માટે આઝાદ મેદાનમાં શપથ સમારોહના મંચની બાજુમાં વધુ એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેમાં દેશભરના સાધુ-સંતોને સ્થાન મળશે. શપથ સમારોહની તિથી અને સમય પણ હિન્દુ પંચાંગ અનુસાર નક્કી કરવામાં આવી છે. આ પ્રસંગે નાશિકના પ્રખ્યાત કાલારામ મંદિરના મહંત સુધીર દાસ પણ હાજર રહેશે, જેમણે દેવેન્દ્ર ફડણવીસને શપથ સમારોહનું મુર્હુત સૂચવ્યું હતું.
આજની તિથીનું વિશેષ મહત્વ
ઉલ્લેખનીય છે કે શપથ ગ્રહણમાં શુભ મુર્હુતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. રવિવાર સુધી અમાસ હતી, આથી ધારાસભ્ય દળની બેઠક થઈ શકી નહોતી. અમાસની તિથી શનિવાર અને રવિવાર એમ બે દિવસની હતી, આથી શપથવિધિ માટે 5 તારીખનું શુભ મુર્હુત પસંદ કરવામાં આવ્યું છે. કેન્દ્રના મોટા નિર્ણયો પણ 5મીએ જ લેવામાં આવ્યા છે. માગસરનો મહિનો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે પાંચમની તિથિ છે, મકર રાશિમાં ચંદ્ર ખાસ કરીને 5.20 થી 6.45 સુધી ખૂબ જ શુભ મુર્હુત છે. તે જ સમયે સીએમ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર શપથ લેશે.
Also read: શિવસેનાના વિધાન સભ્યોએ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન પદ લેવા સમજાવ્યા
મહારાષ્ટ્રમાં બની હિન્દુત્વવાદી સરકાર
મહંત સુધીર દાસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં રેલી દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નારો આપ્યો હતો કે બટોગે તો કટોગે…. જે બાદ મહારાષ્ટ્રના સાધુ સંતોએ ગામડે ગામડે જઈને હિંદુ જાગરણનો સંદેશ આપ્યો હતો. રામજીની કૃપાથી હિંદુ જાગરીત થયા અને હિંદુ જાગૃત થાય છે તો શું થઈ શકે તેના પરિણામ સ્વરૂપે મહારાષ્ટ્રમાં હિન્દુત્વવાદી સરકાર આવી ચૂકી છે.
Also read: ફડણવીસે શપથ સમારોહ પહેલા માતાને આપી કિંમતી ભેટ
શપથગ્રહણ પહેલા સિદ્ધિવિનાયકના દર્શન
શપથ ગ્રહણ સમારોહ પહેલા ફડણવીસે આજે સવારે અહીંના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રાર્થના કરી હતી. શપથ ગ્રહણ સમારોહ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ફડણવીસ અને બે નાયબ મુખ્ય પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.