….તો નવી મુંબઈ એરપોર્ટ ફક્ત 17 મિનિટમાં પહોંચાશે
'વોટર ટેક્સી'ની યોજના અંગે ગડકરીએ કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન જાહેર કર્યો

મુંબઈ: કેન્દ્ર સરકાર મુંબઈના લોકો માટે નવી વ્યવસ્થા ઊભી કરવા જઈ રહી છે, તેનાથી ભવિષ્યમાં મુંબઈગરાઓ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જનારા રસ્તામાં ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. તાજેતરમાં કેન્દ્ર સરકારના માસ્ટર પ્લાન અંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવતા કહ્યું હતું કે મુંબઈમાં ટૂંક સમયમાં વોટર ટેક્સી ચાલુ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીકમાં છે ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રસ્તાવિત વોટર ટેક્સી સેવા કાર્યરત થયા બાદ લોકો મુંબઈના કોઈ પણ ખૂણેથી આગામી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૭ મિનિટમાં પહોંચી શકશે. બાય રોડ ટ્રાવેલિંગના સમય અસરકારક રીતે ઓછો થશે, એમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે.
માર્ચ 2025માં શ્રીગણેશ થશે
ગઈકાલે થાણેમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ પહેલને ટેકો આપવા માટે એરપોર્ટની નજીક જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માર્ચ, 2025 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે પ્રસ્તાવિત વોટર ટેક્સી સર્વિસ શરુ થવાથી મુંબઈના કોઈ પણ ભાગમાંથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવામાં ફક્ત 17 મિનિટનો સમય લાગશે.
આપણ વાંચો: Assembly Election: નીતિન ગડકરીએ રાહુલ ગાંધી માટે આપ્યું નિવેદન, કોઈ ગંભીરતાથી લેશો નહીં…
મુંબઈ અને થાણેમાં કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવવા અને ટ્રાફિકને દૂર કરવાના હેતુથી સરકારની યોજનાઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે મુંબઈ અને થાણેની આસપાસના વિશાળ દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરીને અમે ટ્રાફિકની ભીડ અને વાયુ પ્રદૂષણને નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ.
મુંબઈ અને પુણેમાં ટ્રાફિકની સમસ્યાઓને સંબોધતા ગડકરીએ નવી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ઉલ્લેખ કર્યો, જે સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી બહારના ટ્રાફિકને વાળશે અને મેટ્રોપોલિટન વિસ્તારોમાં ભીડને હળવી કરશે તેવી અપેક્ષા છે.