આમચી મુંબઈ

અમારી વ્યથા આરબીઆઇ સમજે…બૅંકના ડિપોઝિટરોએ કરી અરજી: બૅંકને ફરી ધમધમતી કરવાની અરજ…

થાણે: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપત સામે આવ્યા બાદ તેના ડિપોઝિટર્સનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થાએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને અરજી કરી છે, જેમાં તેમની નાણાકીય મુશ્કેલીઓનો અંત લાવવા માટે બૅંકને ફરી ધમધમતી કરવા માટે ત્વરિત પગલાં લેવાની માગણી કરવામાં આવી છે.

એ અરજીમાં સંસ્થાએ જણાવ્યું છે કે તેમને શંકા છે કે જાહેર ન કરાયેલ નોન-પર્ફોર્મિંગ અસેટ્સ (એનપીએ) અથવા વધારાની છેતરપિંડી જેવી નાણાકીય ગેરરીતિ કટોકટીમાં વધારો કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકની પ્રભાદેવી અને ગોરેગામ બ્રાન્ચમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. આ કેસમાં આર્થિક ગુના શાખાએ બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ મહેતાની 15 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: ભાજપના નેતાના ભાઇની ધરપકડ…

આના બે દિવસ અગાઉ આરબીઆઇ દ્વારા બૅંક પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. એક દિવસ બાદ બૅંકના બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને બૅંકની બાબતોનું વ્યવસ્થાપન કરવા વહીવટકારની નિયુક્તિ કરાઇ હતી. બૅંકની પ્રભાદેવી અને ગોરેગામ બ્રાન્ચની સેફમાં રોકડ નોંધપાત્ર રીતે ઓછી થઇ હોવાનું આંતરિક આડિટમાં બહાર આવ્યા બાદ તપાસ શરૂ કરાઇ હતી.

અસરગ્રસ્ત નાગરિકો અને કો-ઓપરેટિવ સોસાયટીઓનો સમાવેશ ધરાવતા ન્યૂ ઇન્યિયા કો-ઓપરેટિવ બૅંક ડિપોઝિટર્સ ફાઉન્ડેશન દ્વારા આરબીઆઇના ગર્વનર સંજય મલ્હોત્રાને વિધિસર રીતે વિવિધ માગણીઓ સાથેનું આવેદનપત્ર સુપરત કર્યું છે, જેમાં તેમની નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવા અને બૅંકને ફરી ધમધમતી કરવા માટે તાત્કાલિક સુધારણા પગલાં લેવાની વિનંતી કરવામાં આવી છે.

ફાઉન્ડેશનના પ્રમુખ ટી. એન. રઘુનાથે જણાવ્યું હતું કે ડિપોઝિટરો તેમની બચતોનો ઉપયોગ કરી નથી શકતા, જેને કારણે તબીબી અને બાળકોના શિક્ષણના ખર્ચ સહિત તેમના રોજિંદા જીવન પર અસર થઇ છે. બૅંકના મેનેજમેન્ટ દ્વારા ગેરરીતિ આચરાઇ છે, જેને કારણે નિર્દોષ ડિપોઝિટરો ભોગવી રહ્યા છે, એમ અરજીમાં જણાવાયું છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button