રાયગડ નજીક દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતાં સુરક્ષા વધારાઈ
પાકિસ્તાની માછીમારી બોટ હોવાનું અનુમાન: રાતભર સર્ચ ઑપરેશન ચાલ્યા છતાં બોટ ન મળી

મુંબઈ: રાયગડ જિલ્લાના રેવદાંડા નજીક દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતાં સાબદી થઈ ગયેલી સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. પાકિસ્તાની માછીમારી બોટ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, પણ રાતભરની તપાસ છતાં બોટની કોઈ ભાળ ન મળતાં દરિયાકિનારાની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
26/11ના હુમલામાં દરિયાઈ માર્ગે મુંબઈ આવેલા 10 પાકિસ્તાની આતંકવાદીએ ભારે ખૂનામરકી સર્જ્યા બાદ રાજ્યના દરિયાકિનારાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રવિવારની રાતે રેવદાંડામાં કોરલાઈ દરિયાકિનારાથી બે નોટિકલ માઈલના અંતરે ભારતીય નૌકાદળના રડાર પર એક બોટ દેખાતાં તંત્ર સાબદું થઈ ગયું હતું.
આપણ વાંચો: રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
અધિકારીના જણાવ્યા મુજબ ‘એ પાકિસ્તાની માછીમારી બોટ હોવાની શક્યતા’ છે, પણ એક વાર બોટ આંતરવામાં આવે પછી તેની ઓળખ અને અન્ય વિગતોની ખાતરી થઈ શકશે.
પ્રથમદર્શી ભારે પવનને કારણે બોટ રાયગડને કિનારે તણાઈ આવી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે રાયગડમાં દરિયાકિનારા ફરતેની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
બોટ દેખાયાનો સંદેશો મળતાં જ રાયગડ પોલીસ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ), ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યૂઆરટી), નેવી અને કોસ્ટ ગાર્ડના જવાનો રાયગડના દરિયાકિનારે પહોંચી ગયા હતા અને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જોકે મુશળધાર વરસાદ અને સૂસવાટા મારતા પવનને કારણે બોટ સુધી પહોંચવામાં ઘણી અગવડ પડતી હતી.
આપણ વાંચો: પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાતા તંત્ર થયું દોડતું, ત્રણ બાળકોના મોત
રાયગડનાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આંચલ દલાલ પણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે પરિસ્થિતિ પર નજર રાખવા પહોંચ્યાં હતાં. બાર્જની મદદથી આંચલ દલાલે પણ બોટ સુધી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રતિકૂળ હવામાનને તેમણે પાછાં ફરવું પડ્યું હતું.
સતર્કતા ખાતર જિલ્લામાં અલર્ટ રહેવાની સૂચના પોલીસ સ્ટેશનોને આપવામાં આવી હતી. એ સિવાય દરિયાકિનારાની સુરક્ષાવ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2008ની રાતે શસ્ત્રસરંજામ સાથે 10 પાકિસ્તાની આતંકવાદી દરિયાઈ માર્ગે જ મુંબઈ પહોંચ્યા હતા. આતંકવાદીઓએ સર્જેલી ખૂનામરકીમાં 166 જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે અનેક લોકો ઘવાયા હતા. (પીટીઆઈ)