આમચી મુંબઈ

ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવાણ ભાજપના મહારાષ્ટ્ર એકમના નવા પ્રમુખ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ તરીકે ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવાણની મંગળવારે અહીં યોજાયેલી એક બેઠકમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી, જે મહત્વપૂર્ણ પાલિકા ચૂંટણીઓ પહેલાં મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેનું સ્થાન લેશે. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના કેન્દ્રીય નિરીક્ષક કિરણ રિજિજુએ બેઠક બાદ આ જાહેરાત કરી હતી.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના સહયોગી ચવાણ પાર્ટીના રાજ્ય એકમના બારમા પ્રમુખ બન્યા છે. તેઓ બાવનકુળેના અનુગામી બન્યા છે, જેમણે ઓગસ્ટ 2022થી આ પદ સંભાળ્યું હતું. ચવાણ આ વર્ષે જાન્યુઆરીથી મહારાષ્ટ્ર ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. થાણે જિલ્લાના ડોમ્બિવલી વિધાનસભા મતવિસ્તારથી ચાર વખત ચૂંટાયેલા ચવાણ 2016થી 2019 સુધી ફડણવીસની આગેવાની હેઠળની સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા અને બાદમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જાહેર બાંધકામ ખાતાના પ્રધાન હતા.

અગાઉના કેબિનેટ અનુભવ હોવા છતાં, ગયા વર્ષે ડિસેમ્બરમાં મહાયુતિ ગઠબંધન દ્વારા સરકાર રચાઈ ત્યારે તેમને પ્રધાન મંડળમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. રિજિજુએ નામની જાહેરાત કરતા કહ્યું, ‘હું રવીન્દ્ર ચવાણને નવા રાજ્ય ભાજપ પ્રમુખ તરીકે ચૂંટવાની ઘોષણા કરું છું. તેઓ સર્વાનુમતે ચૂંટાયા છે. તેઓ પહેલેથી જ વિવિધ સંગઠનાત્મક ભૂમિકાઓમાં પાર્ટીની સેવા કરી ચૂક્યા છે.’

ચવ્હાણની પદોન્નતિ એવા નિર્ણાયક સમયે થઈ છે, કારણ કે પાર્ટી આ વર્ષના અંતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારી કરી રહી છે. તેમને એક સક્ષમ રાજકીય સંગઠક તરીકે વ્યાપકપણે જોવામાં આવે છે અને છેલ્લા દાયકામાં મુંબઈ મહાનગર પ્રદેશ અને કોંકણમાં ભાજપની હાજરીને વિસ્તૃત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે કર્જત, બદલાપુર અને માથેરાન જેવા અર્ધ-શહેરી વિસ્તારોમાં ભાજપના વિસ્તરણ દરમિયાન મુખ્ય સંગઠનાત્મક ભૂમિકા ભજવી હતી.

મહારાષ્ટ્રમાં સંગઠનાત્મક ચૂંટણીઓનું પક્ષના કેન્દ્રીય નિરીક્ષક તરીકે દેખરેખ રાખતા રિજિજુ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની ઘોષણા બાદ ચવ્હાણે સોમવારે ભાજપ રાજ્ય એકમના પ્રમુખપદ માટે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. ચવ્હાણને નવી ભૂમિકા સોંપવામાં આવે તે પહેલાં બોલતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નોંધ્યું હતું કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી એક માળખાગત પ્રક્રિયાને અનુસરીને કરવામાં આવી હતી, જેની શરૂઆત જિલ્લા અને મંડળ પ્રમુખોની પસંદગીથી થઈ હતી.

તેમણે કહ્યું કે, મુંબઈ ભાજપ એકમના નવા પ્રમુખની પસંદગી પણ રાજ્ય નેતૃત્ત્વ સાથે પરામર્શ કરીને ટૂંક સમયમાં કરવામાં આવશે. પાર્ટીના શહેર એકમનું નેતૃત્વ હાલમાં આશિષ શેલાર કરી રહ્યા છે, જેઓ સાંસ્કૃતિક બાબતોના પ્રધાન તરીકે પણ સેવા આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button