આમચી મુંબઈ

‘લાડકી બહેન યોજના’ અંગે રવિ રાણાનું વિવાદાસ્પદ નિવેદન, સુપ્રિયા સુળેએ કરી ટીકા

સોલાપુર: વિધાનસભાની ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં અત્યારથી મોટા પક્ષોમાં ખેંચાખેંચી ચાલી રહી છે, જેમાં સરકારે પણ મતદારોને રિઝવવા માટે મોટી મોટી જાહેરાતો કરી છે ત્યારે આ યોજનાઓ મુદ્દે પક્ષના નેતાઓ આમનેસામને આવી ગયા છે. બડનેરા વિધાનસભા મતદારસંઘના વિધાનસભ્ય રવિ રાણાએ ‘લાડકી બહેન’ યોજના અંગે કરેલા નિવેદનથી વિવાદ ઊભો થયો છે.

અમારી સરકાર સત્તામાં આવ્યા બાદ અમે લાડકી બહેનને પ્રતિ મહિને રૂ. ૩,૦૦૦ આપીશું અને જો કોઇ મહિલાએ અમને આશીર્વાદ નહીં આપ્યા તો અમે તેના અકાઉન્ટમાંથી રૂ. ૧૫૦૦ પાછા લઇશું, એવું નિવેદન રવિ રાણાએ કર્યું હતું. આ નિવેદન બાદ વિપક્ષે તેમની જોરદાર ટીકા કરી હતી.

શરદ પવાર જૂથનાં સાંસદ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે સત્તામાં રહીને આવી વાત કરવી યોગ્ય નથી. સાસરે બહેન જાય ત્યારે તેની સંભાળ રાખજો એવા શબ્દો ભાઇના મોંઢેથી નીકળતા હોય છે. એ જ ભાઇ મત નહીં આપો તો તમને જે આપેલું પણ લઇ લેશે એવી ધમકી આપી રહ્યા છે. અમને બહેન લોકોને તો ભાઇનો પ્રેમ જ બહુ છે. નથી જોઇતા અમને તમારા રૂ. ૧૫૦૦, એવું સુપ્રિયા સુળેએ કહીને વિવાદ છેડ્યો હતો.

રૂ. ૧૫૦૦ પાછા લઇ લઇશની ધમકી આપે છે તો લઇને દેખાડો ત્યાર પછી હું શું કરું છું તે જોઇ લેજો, એવો પડકાર પણ સુળેએ આપ્યો હતો. મહારાષ્ટ્રમાં જે ગંદું રાજકારણ ચાલી રહ્યું છે તેને બંધ કરવું જોઇએ. ગંદુ રાજકારણ બંધ કરવા માટે સરકાર બદલવાની જરૂર છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button