રાજ અને ઉદ્ધવ ગઠબંધને મહારાષ્ટ્રને નવી દિશા આપવાની જરૂર: સંજય રાઉત…
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે શાસક ભાજપને મહારાષ્ટ્રની એકતા અને મરાઠી ‘અસ્મિતા’ માટેની લડાઈ સાથે કોઈ લેવાદેવા નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે તેમના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ગઠબંધન બનાવે તે જરૂરી છે અને દાવો કર્યો હતો કે તે ‘રાજ્યને નવી દિશા’ આપશે.
સેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં તેમના સાપ્તાહિક કોલમ રોખ ઠોકમાં, રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે શાસક ભાજપને મહારાષ્ટ્રની એકતા અને મરાઠી ‘અસ્મિતા’ની લડાઈ સાથે કોઈ લેવાદેવા નથી.
‘ભાજપની નીતિ પહેલા મુંબઈને લૂંટવાની છે, પછી મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની છે અને અલગ વિદર્ભ માટે રમત રમવાની છે અને મહારાષ્ટ્રના અસ્તિત્વને ખતમ કરવાની છે,’ એવો આરોપ તેમણે લગાવ્યો હતો. તેમણે યાદ અપાવ્યું હતું કે ભૂતકાળમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં આંદોલન દરમિયાન ‘વિદર્ભ મારું એકમાત્ર રાજ્ય છે’ તેવા સંદેશવાળા પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા.
જો ઠાકરે પિતરાઈ ભાઈઓની એકતા અને તેમનું નેતૃત્વ અકબંધ રહેશે નહીં, તો મુંબઈ ‘અદાણી-લોઢા’ ગળી જશે અને એક દિવસ તે મહારાષ્ટ્રનો ભાગ પણ રહેશે નહીં, એવો આરોપ રાજ્યસભાના સભ્યે લગાવ્યો હતો. એપ્રિલમાં, મનસે નેતા રાજ ઠાકરેએ તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે સંભવિત રાજકીય સંબંધો અંગે અટકળો ફેલાવી હતી, તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેમના ભૂતકાળના મતભેદો ‘તુચ્છ’ હતા અને ‘મરાઠી માણુસ’ના મોટા હિત માટે એક થવું એ મુશ્કેલ કાર્ય નથી.
રાઉતે એવો દાવો કર્યો હતો કે પાંચમી જુલાઈએ પિતરાઈ ભાઈઓ રાજ અને ઉદ્ધવના ભેગા થવાથી ‘મરાઠી માણસો’ને વિશ્વાસ મળ્યો હતો.‘આનો અર્થ એ નથી કે મરાઠી માણસોના બધા પ્રશ્ર્નો ઉકેલાઈ ગયા છે. મરાઠી માણસોને પરેશાન કરતા મુદ્દાઓ જેમના તેમ છે તેમ રહે છે. હિન્દી લાદવાની વિરુદ્ધ ઠાકરે ભાઈઓ એકસાથે આવ્યા હતા, પરંતુ બંને પક્ષો વચ્ચે રાજકીય જોડાણની જાહેરાત હજુ બાકી છે. જોડાણ હોવું જરૂરી છે. ત્યારે જ મહારાષ્ટ્રને નવી દિશા મળશે,’ એમ તેમણે કહ્યું હતું.
જો કોઈને એવો ભ્રમ હોય કે ઠાકરે કોઈપણ પ્રકારના દબાણને વશ થઈ જશે, તો તેઓ મૂર્ખ છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.રાઉતે દાવો કર્યો હતો કે ઠાકરે બંધુઓની એકતાએ દિલ્હી અને મહારાષ્ટ્રના શાસકોમાં ગભરાટ ફેલાવી દીધો છે.
આ પણ વાંચો : શિંદે મુખ્યમંત્રી બનવા માટે ઉત્સુક, શિવસેનાને ભાજપમાં ભેળવવા તૈયાર: રાઉત