ઓડિટ રિપોર્ટમાં ઘાલમેલ કરવા લાંચ માગનારા ત્રણ સરકારી કર્મચારી પકડાયા

થાણે: ઓડિટ રિપોર્ટમાં ઘાલમેલ કરવા 16,500 રૂપિયાની કથિત લાંચ લેવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ઓડિટ સાથે સંકળાયેલી રત્નાગિરિની સ્થાનિક કચેરીના ત્રણ કર્મચારીની ધરપકડ કરી હતી.
ફરિયાદને આધારે એસીબીએ ગુરુવારે છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ સ્વીકારવા બદલ આસિસ્ટન્ટ ડિરેક્ટર શરદ રઘુનાથ જાધવ (53), આસિસ્ટન્ટ ઓડિટ ઑફિસર સિદ્ધાર્થ વિજય શેટ્યે (45) અને પ્યૂન સતેજ શંતરામ ગવળી (38)ને પકડી પાડવામાં આવ્યા હોવાનું એસીબીના રત્નાગિરિના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અવિનાશ પાટીલે જણાવ્યું હતું.
પાટીલે જણાવ્યું હતું કે રત્નાગિરિની લોકલ ફંડ ઓડિટ ઑફિસ ખાતે ગોઠવેલા છટકામાં ત્રણેય જણ લાંચની રકમ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
આપણ વાંચો: વડોદરા કોર્પોરેશનના ઓડિટ રિપોર્ટમાં 116 કરોડનો હિસાબ ‘ગાયબ’
આ પ્રકરણે દાપોલી પંચાયત સમિતિના આસિસ્ટન્ટ ઓડિટ ઑફિસરે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે 2020-21 અને 2021-22ના નાણાકીય વર્ષના એકાઉન્ટ્સનું આરોપી દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં 21 મુદ્દા ઉપસ્થિત કરાયા હતા.
આ પ્રકરણે કમ્પ્લિયન્સ રિપોર્ટ ઑગસ્ટમાં જ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઉપસ્થિત કરાયેલા મુદ્દા કાઢી નાખીને ફાઈનલ રિપોર્ટ આપવા માટે આરોપીએ લાંચ માગી હતી. તપાસમાં જણાયું હતું કે આરોપીએ આસિસ્ટન્ટ ડિરેક્ટર જાધવ વતી ઓડિટ રિપોર્ટમાંના 21માંથી 15 મુદ્દા કાઢી નાખવા માટે 16,500 રૂપિયાની લાંચ માગી હતી. આ પ્રકરણે એસીબી વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)