ડોમ્બિવલીમાં બે બાળકીનો વિનયભંગ: આરોપી નાશિકમાં પકડાયો
થાણે: ડોમ્બિવલી પૂર્વના સાગાંવ ખાતેની બે બાળકીનો કથિત વિનયભંગ કરી ફરાર થઈ ગયેલા આરોપીને 14 દિવસે નાશિકમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
માનપાડા પોલીસની સ્પેશિયલ ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ પ્રવીણ પાટીલ તરીકે થઈ હતી. પોલીસ ફરિયાદ અનુસાર બન્ને બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે આરોપી પાટીલ ત્યાં આવ્યો હતો. બાળકીઓ સામે આરોપીએ અશ્ર્લીલ ચેનચાળા કર્યા હતા.
ડરી ગયેલી બાળકીઓએ બૂમાબૂમ કરતાં લોકો એકઠા થઈ ગયા હતા. પીટાઈ થવાને ડરે આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ પ્રકરણે બાળકીના વાલીઓએ માનપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીની શોધ માટે પોલીસની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે આરોપી નાશિક જિલ્લાના સટાણા તાલુકામાંના એક ગામમાં સંતાયો હોવાનું શોધી કાઢ્યું હતું. પોલીસે છટકું ગોઠવી આખરે પાટીલને પકડી પાડ્યો હતો. કલ્યાણ કોર્ટે તેને પોલીસ કસ્ટડી ફટકારી હતી.