કાંદિવલીની પ્રી-સ્કૂલમાં બાળકી સાથે દુષ્કર્મ: પ્રિન્સિપાલ-ટીચર્સ સામે ગુનો
મુંબઈ: કાંદિવલીની પ્રી-સ્કૂલમાં ચાર વર્ષની બાળકી સાથે પ્યૂને આચરેલા કથિત દુષ્કર્મના કેસમાં પોલીસે પ્રિન્સિપાલ અને બે ટીચર વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો. બાળકી સાથે બનેલી ગંભીર ઘટનાની જાણ હોવા છતાં તેની માહિતી પોલીસને ન આપવા બદલ પ્રિન્સિપાલ અને ટીચર્સ સામે કાનૂની કાર્યવાહી કરાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર શુક્રવારની સવારે બનેલી ઘટનામાં પ્રી-સ્કૂલના પ્યૂનની ધરપકડ કરવામાં આવી હતી. કાંદિવલી પૂર્વમાં આવેલી પ્રી-સ્કૂલના પ્યૂને બાળકીને વૉશરૂમમાં લઈ જઈ તેની સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું. આ પ્રકરણે પોલીસે પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જોકે બાળકી સાથે પ્યૂને કરેલા કૃત્યની જાણ શાળાની ટીચરોને હોવા છતાં તેમણે વડીલો કે પોલીસને આ અંગે માહિતી આપી નહોતી. વળી, સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. આવા અનેક આક્ષેપો બાળકીના વડીલોએ કર્યા હતા. ઘટનાને પગલે નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સોમવારે મોટી સંખ્યામાં લોકો સ્કૂલ બહાર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આરોપી પ્યૂનને મૃત્યુદંડની સજા આપવાની સાથે શાળા પ્રશાસન સામે પગલાં લેવાની માગણી વડીલોએ કરી હતી. બાળકીના વડીલોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઘટના બાદ બાળકીએ દુખાવાની ફરિયાદ કરતાં ટીચરે તેને પેઈન કિલર દવા આપી હતી. નાગરિકોમાં ભારે રોષને પગલે પોલીસે પ્રિન્સિપાલ અને ટીચર્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.