જળગાંવમાં બળાત્કાર બાદ 13 વર્ષની સગીરાની હત્યા:
નાની બહેને આપેલા વર્ણન પરથી નરાધમ પકડાયો

જળગાંવ: જળગાંવમાં 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ માથામાં પથ્થર ફટકારી તેની હત્યા કરવામાં આવી હતી. મૃતકની નાની બહેને આપેલા વર્ણન પરથી પોલીસે 30 વર્ષના યુવકને પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. મધ્ય પ્રદેશનો વતની આરોપી તેના પરિવારજનો સાથે જળગાંવના ચોપડા તાલુકામાં રહે છે.
આ પણ વાંચો :10 વર્ષ પહેલાંના યુવાનની હત્યાના કેસમાં ચાર જણનો નિર્દોષ છુટકારો
સગીરો પરિવાર જે ખેતરમાં કામ કરે છે ત્યાંથી થોડે દૂર આરોપીને બહેન રહે છે અને આરોપી થોડા દિવસ અગાઉ તેની બહેનને ત્યાં આવ્યો હતો. શનિવારે સાંજે તે પોતાના ઘરે પાછો જઇ રહ્યો હતો ત્યારે ખેતરથી નાની બહેન સાથે ઘરે જઇ રહેલી સગીરા પર તેની નજર પડી હતી.
તે સગીરાને ખેંચીને ખેતરમાં લઇ ગયો હતો, જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં માથામાં પથ્થર ફટકારી તેની હત્યા કરી હતી. ઘટનાસ્થળે હાજર નાની બહેન ત્યાંથી ભાગીને ઘરે ગઇ હતી અને પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સગીરાને હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી.
આ પણ વાંચો : તલાસરીમાં બેરહેમીથી પીટાઈ કરી વૃદ્ધની હત્યા: દંપતી સહિત ત્રણની ધરપકડ
દરમિયાન સગીરાની નાની બહેને આપેલા આરોપીના વર્ણન પરથી પોલીસે ગણતરીના કલાકોમાં તેને નજીકના ગામમાંથી પકડી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં હાજર કરાયો હતો અને તેને 13 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.