બળાત્કાર અને હત્યાના આરોપી વિશાલ ગવળીની આત્મહત્યાઃ બાળકીના પિતાએ કહ્યું કે

કલ્યાણઃ એક 13 વર્ષની સગીરાને લલચાવી, પોતાના ઘરે લઈ જઈ તેનાં પર બળાત્કાર કરી, તેની હત્યા કર્યાના આરોપમાં જેલમાં સજા ભોગવી રહેલા વિશાલ ગવળી નામના કલ્યાણના ગુંડાએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી જેલ પ્રશાસન હરકતમાં આવ્યું છે, પરંતુ પોતાની દીકરી ગુમાવનાર પિતાએ એક રીતે સંતોષ વ્યક્ત કર્યો છે.
શું કહ્યું સગીરાનાં પિતાએ
પોતાની માસૂમ દીકરી ગુમાવનાર પિતાએ કહ્યું કે આ ઈશ્વરનો ન્યાય છે. અમારી દીકરીના ગુનેગારને ઈશ્વરે સજા આપી છે. તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો, પરંતુ સાથે માગણી કરી હતી કે તેના બે ભાઈઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે, તેઓ હજુ અમને ડરાવે છે. તેમણે મુખ્ય પ્રધાન સહિત તમામ સાંસદોને પણ વિનંતી કરી હતી કે વિશાલના ભાઈઓ સામે પણ ગુનો દાખલ કરી કાર્યવાહી થાય.
કોણ હતો વિશાલ ગવળી
વિશાલ ગવળી કલ્યાણનો કુખ્યાત ગુંડો હતો. ગવળી પર અગાઉ પણ યુવતીઓની છેડતી સહિતના ગુના નોંધાયેલા હતા. ગત ડિસેમ્બરમાં એક 13 વર્ષની સગીર છોકરીને લલચાવી તે પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર કરી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેની લાશને બાપગાંવ ખાતે ફેંકી આવ્યો હતો. ઘટના બાદ પોલીસથી બચવા તે શેગાંવમાં છુપાયેલો હતો, પરંતુ શેગાંવ પોલીસે છટકું ગોઠવી તેને એક સેલોમાંથી પકડી પાડ્યો હતો અને તેને તળોજા જેલમાં મોકલવામાં આવ્યો હતો. અહીં તેણે આજે વહેલી પરોઢના 3.30 વાગ્યે ટુવાલથી શૌચાલયમાં જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ પણ વાંચો: કલ્યાણમાં બળાત્કાર બાદ સગીરાની હત્યા: પોલીસ એક સપ્તાહમાં આરોપી વિરુદ્ધ આરોપનામું દાખલ કરશે
વિશાલની બે પત્ની તેને છોડી ચાલી ગઈ હતી. એક ત્રીજી યુવતીએ તેની સાથે લગ્ન કર્યા હતા જે ખાનગી બેંકમાં નોકરી કરે છે. એવી માહિતી મળી છે કે મૃતક સગીરાની લાશને સગેવગે કરવામાં તેણે વિશાલનો સાથ આપ્યો હતો.
વિશાલની જેલ પરિસરમાં જ આત્મહત્યાથી જેલમાં કેદીઓની સુરક્ષાનો સવાલ પણ ઊભો થયો છે, પરંતુ આવું અઘોરી કામ કરનારાએ પોતાના પાપની સજા પોતાને આપી હોવાથી લોકો સંતોષ માને છે અને તેના પર ફીટકાર વરસાવી રહ્યા છે.