મુંબઈની લોકલ ટ્રેનમાં ધમાલ, ચપ્પલથી માર્યો પ્રવાસીને, વીડિયો વાઈરલ

મુંબઈઃ પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં દિવ્યાંગ કોચમાં પ્રવાસીને મારપીટનો બનાવ બન્યો હતો. દાદર-વિરાર ડબલ ફાસ્ટ લોકલ ટ્રેનના દિવ્યાંગ કોચમાં મહિલા પ્રવાસીએ અન્ય એક પ્રવાસીને ટ્રેનના કોચમાં પ્રવેશવા મુદ્દે વિરોધ કર્યો હતો, ત્યાર બાદ મહિલાએ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી, ત્યારબાદ મામલો વધુ બિચકવાને કારણે તેને ચપ્પલથી માર્યો હતો. આ સમગ્ર મુદ્દાને એક પ્રવાસીએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યું હતું.
આ બનાવ પછી પ્રવાસીએ રેલવે પોલીસને બોલાવી હતી. દિવ્યાંગ કોચમાં ચઢેલી બ્લુ અને રેડ કલરના સ્યુટમાં સજ્જ મહિલાએ પ્રવાસી સાથે વિવાદ કર્યો હતો, ત્યારબાદ ગાળાગાળી કર્યા પછી તેની ચપ્પલથી મારપીટ કરી હતી. આ બનાવ પછી લોકલ ટ્રેન વસઈ પહોંચ્યા પછી પોલીસને મહિલા સોંપવામાં આવી હતી. જોકે, આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
સોશિયલ મીડિયા પર પણ એનો વીડિયો અને તસવીરો વાઈરલ થયા પછી અનેક યૂઝરે મહિલાની ટીકા કરી હતી. જ્યારે અમુક પ્રવાસીએ લખ્યું હતું કે ધિસ ઈઝ ટ્રુ એક્ઝામ્પલ ઓફ વુમન એમ્પાવરમેન્ટ ઈન ઈન્ડિયા.
પશ્ચિમ રેલવેમાં રોજ 1,300થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જેમાં મહિલા વિશેષ લોકલ સાથે એસી લોકલ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. મહિલાઓ વિરુદ્ધ વધતા અત્યાચારોને લઈને મહિલાઓ પણ ટ્રેનોમાં મહિલાઓ સામે લડી લે છે, જ્યારે અમુક કિસ્સામાં પુરુષો સામે ભીડી જતી હોય છે, તેથી એમાં કોઈ નવાઈની વાત નથી, એમ એક પેસેન્જરે જણાવ્યું હતું.