રામગીરી મહારાજે બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષા માટે કેન્દ્રીય હસ્તક્ષેપની હાકલ કરી…

છત્રપતિ સંભાજીનગર : ધાર્મિક નેતા રામગીરી મહારાજે મંગળવારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હસ્તક્ષેપની માંગ કરી હતી.
તેમણે હિંદુ સમુદાયને જાતિ જૂથોમાં વિભાજિત ન થતા એક થવા માટે કહ્યું હતું.
છત્રપતિ સંભાજીનગર (અગાઉના ઔરંગાબાદ) જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સકલ હિન્દુ જનજાગરણ સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ વિરુદ્ધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે સભાને સંબોધિત કરી હતી. “બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારો થઇ રહ્યા છે. હિંદુ મહિલાઓને પણ બક્ષવામાં આવી નથી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા પદને લઈને મહા વિકાસ આઘાડીમાં પડી ફૂટ?
મંદિરો અને બુદ્ધ વિહારોની તોડફોડ કરવામાં આવી રહી છે. સનાતન ધર્મ કોઈપણ સમુદાયને ધિક્કારતો નથી. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ઇસ્કોને બાંગ્લાદેશના લોકોને મદદ કરી હતી પરંતુ હવે તેઓ સંસ્થાની વિરુદ્ધ થઈ ગયા છે, એમ તેમણે જણાવ્યું હતું.”
“કેટલાક અધમ માનસ ધરાવતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકારે બાંગ્લાદેશમાં અન્યાય અને અત્યાચાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જો સરકાર આવા નિર્ણયો ન લઈ શકે, તો સમુદાયે આગળ આવવું જોઈએ. હિંદુઓ પર અત્યાચાર રોકવા જોઈએ,” તેમણે ઉમેર્યું. ભારતમાં હિન્દુઓની વાત કરતા તેમણે કહ્યું કે,તેઓ ભારતીય બંધારણમાં વિશ્વાસ રાખવાનું આહ્વાન કરે છે. જો એવું હોય તો ‘સર તન સે જુદા’ (માથું કાપવું) જેવા નારા શા માટે લગાવવામાં આવે છે? તેમણે કહ્યું કે હિંદુઓને જાતિઓમાં વહેંચવામાં ન આવે.
રામગીરી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે દરેકને પસંદગીના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે. આ હિંદુ ધર્મગુરુએ આ વર્ષની શરૂઆતમાં પ્રોફેટ મોહમ્મદ અને ઇસ્લામ વિરુદ્ધ તેમની કથિત વાંધાજનક ટિપ્પણીને કારણે વિવાદ ઉભો કર્યો હતો, જેના કારણે સમગ્ર મહારાષ્ટ્રમાં તેમની સામે ઘણા કેસ નોંધાયા હતા.