રામગિરી મહારાજ અને નિતેશ રાણે સામે કાર્યવાહી કરોઃ ઈમ્તિયાઝ જલીલની માગણી…
છત્રપતિ સંભાજીનગર: મુસ્લિમોને લક્ષ્ય બનાવતા કથિત નિવેદનો કરવા માટે હિન્દુ સંત રામગિરી મહારાજ અને ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણે સામે કાર્યવાહી કરવાની માગણી પર વધુ ભાર મૂકવા માટે એઆઇએમઆઇએમના નેતા ઇમ્તિયાઝ જલીલ આજે અહીંથી મુંબઈ આવ્યા હતા.
રામગિરી મહારાજ અને રાણે સામે કાર્યવાહી કરવાની માગણી દરમિયાન જલીલે મુંબઈ આવીને બંધારણની નકલો મહાયુતિના નેતાઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આપી હતી.
રામગિરી મહારાજ ઇસ્લામ અને મોહમ્મદ પેગંબરના વિરુદ્ધમાં કથિત વાંધાજનક નિવેદનો આપવા માટે ગયા મહિને ચર્ચામાં હતી ત્યારે ભાજપના નેતા નિતેશ રાણેએ પહેલી સપ્ટેમ્બરે અહેમદનગર જિલ્લાના તોપખાના વિસ્તાર અને શ્રીરામપુરમાં રામગિરી મહારાજના સમર્થનમાં બે જાહેર સભાને સંબોધી હતી.
બીજી તરફ વારંવાર મુસ્લિમો સામે કથિત ટિપ્પણીઓ કરવા માટે મહારાષ્ટ્રમાં રાણે સામે અનેક કેસ નોંધવામાં આવ્યા છે. જલીલે સોમવારે સમૃદ્ધિ એક્સ્પ્રેસવેથી મુંબઈ સુધીની ‘તિરંગા સંવિધાન’ રેલી લૉન્ચ કરી હતી.
મુંબઈ આવવા પહેલા જલીલે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે જે લોકો પોતાના દેશને અને મહારાષ્ટ્રની સંસ્કૃતિને પ્રેમ કરે છે તેઓ મુંબઈ સુધીના તેમના આંદોલનને સમર્થન આપવા આવે.
‘રાજ્ય મહાત્મા ફુલે, શાહુ મહારાજ, આંબેડકર અને શિવાજી મહારાજના સંસ્કારો ભૂલી ગયું છે તેથી સરકારને આ અંગે ફરી અવગત કરાવવા અમે મુંબઈ જવાના છે’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. (પીટીઆઇ)