આમચી મુંબઈ

કલ્યાણની બેઠક તો શિંદેપુત્રને મળી, હવે થાણે મામલે મહાયુતિમાં રકઝક

થાણેઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના શિંદે જૂથના પ્રમુખ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનું નામ આખરે જાહેર થઈ ગયું છે. શ્રીકાંતને કલ્યાણની લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે જ કરી છે ત્યારે હવે થાણેની ટિકિટ ભાજપને ફાળે જશે કે નહીં તેના પર બન્ને પક્ષ સહિત સૌની નજર ટકી છે.

આ બેઠક બાળાસાહેબના સમયથી શિવસેનાનો ગઢ માનવામાં આવે છે અને આ વિસ્તારને શિવસેનાના મજબૂત મતદારવર્ગમાં ફેરવવાનો ઘણો ખરો શ્રેય એકનાથ શિંદેને જાય છે ત્યારે થાણેની બેઠક તેમને આપવાનો પક્ષમાં જ વિરોધ છે. બીજી બાજુ થાણેમાં પગપેસારો કરવા ભાજપના નેતા અને કાર્યકર્તાઓ થનગની રહ્યા છે.

અગાઉ કલ્યાણની બેઠક માટે પણ બન્ને પક્ષના નેતાઓ વચ્ચે શિતયુદ્ધ ચાલી જ રહ્યું હતું અને શાબ્દિક ચડસાચડસી ચાલી હતી. હવે ફડણવીસે જ આ બેઠકના ઉમેદવાર તરીકે શ્રીકાંતની જાહેરાત કરતા કલ્યાણ બેઠકનો મામલો થાળે પડ્યો છે, પરંતુ થાણે બેઠક માટે રકઝક ચાલું છે.

થાણેમાં શિંદે જૂથના પ્રતાપ સરનાઈક, નરેશ મસ્કે અથવા રવિન્દ્ર ફાટકના નામ બોલાઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક ભાજપના નેતાઓ તેમનો વિરોધ કરી રહ્યા છે. ભાજપની ઈચ્છા આ બેઠક લડવાની છે અને બન્ને પક્ષ વચ્ચે ટસલ ચાલી રહી છે. શિંદેના દીકરા શ્રીકાંતને કલ્યાણની ટિકિટ મળવાનું લગભગ નક્કી હતું, પણ થાણે માટે બન્ને પક્ષ વચ્ચે સુમેળ સધાય તે મુશ્કેલ લાગી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button