
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અનિલ પરબ અધુરા વકીલ છે, મેં 32 વર્ષ વિધાનસભામાં કામ કર્યું છે. હું દરેક નિયમ જાણું છું. પ્રધાન પર આરોપ લગાવતી વખતે 35 દિવસની નોટિસ આપવી પડે છે અને આરોપ લગાવવા માટે સ્પીકરની પરવાનગી લેવી પડે છે. તેની એક નકલ આગલા દિવસે સ્પીકરને આપવી પડે છે અને પછી સ્પીકરની પરવાનગીથી આરોપ લગાવવા પડે છે. જોકે, આ અધુરા વકીલોએ એવું ન કર્યું અને યોગેશ કદમ ગૃહમાં ન હોય ત્યારે ગુપ્ત રીતે આરોપો લગાવ્યા હતા. તેમણે યોગેશ કદમને તેમનું રાજીનામું લઈ બતાવવાનો પડકાર ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે ફેંક્યો છે. તેઓ ખેડમાં એક પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, ડાન્સ બાર યોગેશ કદમની માતાનો હોવાનો આરોપ લાગી રહ્યો છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ બે દિવસમાં અનિલ પરબ સામે વિશેષાધિકાર ભંગની ફરિયાદ કરશે. અનિલ પરબે ગુંડાગીરીની ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ, હું ડરતો નથી. જો તમારી પાસે હિંમત હોય તો રાજીનામું લઈને દેખાડો, એવા શબ્દોમાં શિવસેનાના નેતા રામદાસ કદમે અનિલ પરબને પડકાર ફેંક્યો હતો. કદમે એમ પણ કહ્યું હતું કે તેઓ યોગેશ કદમને કહીને રાજ્યના તમામ ડાન્સ બાર બંધ કરાવવાની ઝૂંબેશ હાથ ધરાવશે.
આ અધુરા વકીલોએ નિયમોનું પાલન ન કર્યું અને યોગેશ કદમ ગૃહમાં ન હોય ત્યારે ગુપ્ત રીતે આરોપો લગાવ્યા હતા. જ્યારે આવી રીતે નિયમોનો ભંગ કરીને આવા આરોપો લગાવવામાં આવે છે, ત્યારે સ્પીકરના નિયમો મુજબ આ મામલો ગૃહના ફ્લોર પર મૂકતા નથી, આ વિધાનસભાનો નિયમ છે. શું આ અધુરા વકીલને આટલી ખબર નથી? એવો સવાલ રામદાસ કદમે ઉઠાવ્યો છે. નિયમોની બહાર કામ કરીને આ આરોપો લગાવવામાં આવ્યા છે. રામદાસ કદમે પત્રકાર પરિષદમાં એવી પણ માહિતી આપી હતી કે અનિલ પરબ સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી થઈ શકે છે.
તેમણે કહ્યું કે, અમે ક્યારેય ડાન્સ બારનો ધંધો ચલાવ્યો નથી. ડાન્સ બાર ચલાવીને સામાન્ય લોકોના જીવનને બરબાદ કરવાનું પાપ અમે ક્યારેય કર્યું નથી. પરબ અને ઉદ્ધવ ઠાકરે બંનેએ દાપોલીમાં યોગેશ કદમને રાજકારણમાંથી ખતમ કરવાનું પાપ કર્યું હતું, પરંતુ એ લોકો નિષ્ફળ ગયા. ઉદ્ધવ ઠાકરે સમગ્ર મહારાષ્ટ્ર સાથે ખેડમાં સભા કરવા આવ્યા હતા, પરંતુ ત્યાં કંઈ થયું નહીં. હવે, વિધાન પરિષદમાં ગેરમાર્ગે દોરીને અને ખોટી માહિતી આપીને, તમે કેવા પ્રકારનું રાજીનામું માગી રહ્યા છો? એવો સવાલ રામદાસ કદમે પૂછ્યો હતો.