લાડકી બહિણ યોજનાઃ મહાયુતી સરકારની સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ, હવે તો…

મુંબઈઃ થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે જનતાને પૈસા કે વસ્તુઓની લ્હાણી કરવાની રાજકીય પક્ષોની યોજનાઓને વખોડી હતી. જોકે દરેક રાજકીય પક્ષે સમયાંતરે જનતાને આવા કોઈ લોભામણા કારસામાં ફસાવ્યા જ છે, પરંતુ હાલમાં તો મહારાષ્ટ્રની મહાયુતી સરકાર જ ફસાઈ છે.
Also read શાન ઠેકાણેઃ અબુ આઝમી થયા છત્રપતિ સંભાજી મહારાજને ‘નતમસ્તક’…
માઝી લાડકી બહિણ યોજનાથી ચૂંટણી તો જીતી પણ…
2024માં ચૂંટણી પહેલા શિંદે સરકારની લાડકી બહિણ યોજના અમલમાં આવી. પાત્ર મહિલાઓને રૂ. 1500 મહિને આપવાની આ યોજનાએ અપેક્ષા કરતા વધારે લોકચાહના મેળવી. આથી ચૂંટણી પહેલા ત્રણેય પક્ષોએ તેનો ભરપૂર ફાયદો લીધો અને જો ફરી સત્તામાં આવીશું તો દર મહિને રૂ. 2100 આપીશું તેવી જાહેરાત પણ કરી નાખી. આ તેમને ફળ્યું અને જનતાએ સંપૂર્ણ બહુમતી સાથે મહાયુતી સરકારને ચૂંટી.
જોકે ત્યારબાદ આ યોજના ટીકાને પાત્ર બની અને હંમેશાં સમાચારોમાં રહી. એક તો પાત્ર મહિલાઓનું કડકપણે પરિક્ષણ કરવામાં આવ્યું, આથી તેમની સંખ્યા ઘટી, સરકારને 1500નો હપ્તો પણ ભારે પડવાનું નાણા વિભાગે જણાવ્યું હતું. ત્યારબાદ 2100 કઈ રીતે આપવા તે મોટો સવાલ હતો. બે દિવસ પહેલા રજૂ થયેલા બજેટમાં આ માટેની કોઈ ઠોસ જોગવાઈ કરવામાં આવી ન હોવાની ટીકા સતત વિરોધકો કરી રહ્યા છે. સરકાર આ મામલે સ્પષ્ટ જવાબ આપી શકતી નથી.
લાડકી બહિણ ન હોય તો…શિંદેસેનાના નેતાએ ચોંકાવ્યા
એક તરફ વિરોધકો રાજ્યની મહિલાને છેતરી માત્ર તેમનો ચૂંટણી સમયે ઉપયોગ કર્યાની સખત ટીકા કરી રહ્યા છે જ્યારે ખુદ આ યોજના જેમણે અમલમાં મૂકી તે એકનાથ શિંદેના જ એક વરિષ્ઠ નેતાએ આ યોજનાને વખોડી કાઢી છે. એક જગ્યાએ બોલતા રામદાસ કદમે કહ્યું હતું કે અંતે તો બજેટને નજર સામે રાખીને જ તમામ યોજનાઓ અમલમાં મૂકવાની હોય છે. જેવડી ચાદર હોય તેટલા જ પગ ફેલાવાય.
હવે જો આપણે લાડકી બહિન યોજનાના બજેટ પર નજર કરીએ તો તે 30 હજાર કરોડથી વધુ છે. રામદાસ કદમે કહ્યું છે કે આ તમામ બાબતોને નજર સામે રાખીને જ યોજનાઓ બનાવવી જોઈએ. જો માત્ર એક લાડકી બહિણ યોજના બંધ કરી દઈએ તો બીજી દસ યોજના કે પ્રોજેક્ટ અમલમાં મૂકી શકાય તેમ છે. કદમનું આ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. મહાયુતી સરકારના પોતાના નેતા જ સ્વીકારી રહ્યા છે કે આ યોજના સરકારને ભારે પડી રહી છે અને તેના લીધે અન્ય કામો અટકી પડવાની પૂરી શક્યતા છે.
Also read : મારા ભાઇના હત્યારાઓને ફાંસી જ થવી જોઇએઃ મૃતક સરપંચના ભાઇ…
મહાયુતી માટે આગળ કૂવા પાછળ ખાઈ જેવી સ્થિતિ
મહાયુતી આ યોજનાના જોરે મજબૂતાઈથી સત્તા પર બેઠી છે. મહિલા મતદારોએ ભરી ભરીને મત આપ્યા છે. આ યોજનાની જાહેરાત કરવામાં ત્રણેય પક્ષોએ કંઈ બાકી રાખ્યું ન હતું. જ્યારે 5 લાખ અપાત્ર મહિલાઓને યોજનામાંથી બાકાત રાખવામાં આવી ત્યારે પણ સરકારે ભારે ટીકા વહોરી હતી. હાલમાં પણ રૂ. 1500ને બદલ 2100 ન આપવા બદલ વિરોધપક્ષ તેમને ઘેરી રહ્યો છે ત્યારે હવે શું કરવું અને પાંચ વર્ષ સુધી આ યોજના કંઈ રીતે અમલમાં મૂકવી તે અંગે ત્રણેય પક્ષોએ વિચારવું પડશે. માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં દિલ્હી સહિતના રાજ્યોમાં ચૂંટણી સમયે આપવામાં આવતા વાયદાઓ પૂરા કરવાનું સરકારો માટે અઘરું જ સાબિત થયું છે.