ભાજપના પ્રધાનને ‘નકામા’ કહ્યા સાથી પક્ષ શિવસેનાના આ નેતાએ…
મુંબઈ: જુન્નરમાં ભાજપના કાર્યકર્તાઓએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે કાળા વાવટા ફરકાવ્યા એ ઘટનાથી મહાયુતિમાં મતભેદ ચાલી રહ્યા હોવાની ચર્ચા શરૂ છે તેવામાં મહાયુતિના બે પક્ષના નેતાઓ વચ્ચેનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા તેમ જ ભૂતપૂર્વ વિધાનસભ્ય રામદાસ કદમ અને ભાજપના રવીન્દ્ર ચવ્હાણ વિરુદ્ધ શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
રામદાસ કદમે સાર્વજનિક બાંધકામ ખાતાના પ્રધાન રવીન્દ્રને ‘નકામા’ પ્રધાન કહેતા વિવાદ વકર્યો છે. તેમણે મુંબઈ-ગોવા હાઇ-વેની બિસ્માર હાલત વિશે વાત કરતા વખતે ચવ્હાણ વિશે આ નિવેદન આપ્યું હતું. જોકે, કદમની આ ટીપ્પણી બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે શું કદમે આપેલું નિવેદન મહાયુતિના જોડાણના સિદ્ધાંતોને અનુરૂપ છે કે નહીં?
પત્રકારો સાથે વાતચીત દરમિયાન પોતે ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂકેલા કદમે મુંબઈ-ગોવા હાઇ-વેના અધુરા કામને લઇને નરાજગી વ્યક્ત કરી હતી અને એ દરમિયાન ઉક્ત નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો :મહાયુતિમાં બબાલ? અજિત પવારને કાળા વાવટા બતાવીને કરાયો વિરોધ
કદમે કહ્યું હતું કે 14 વર્ષની રાહ જોયા બાદ ભગવાન રામનો પણ વનવાસ પૂરો થયો હતો, પરંતુ મુંબઈ-ગોવા હાઇ-વેની સમસ્યા હજી યથાવત છે. આપણી પાસે હજી સુધી સારા રસ્તાઓ નથી. રાજ્યના સાર્વજનિક બાંધકામ ખાતાના પ્રધાન રવીન્દ્ર ચવ્હાણ સાવ નકામા છે. મહાયુતિનો ભાગ હોવા છતાં હું માનું છું કે દેવેન્દ્ર ફડણવીસે ચવ્હાણનું રાજીનામુ માંગી લેવું જોઇએ.
કદમના નિવેદન બાદ ચવ્હાણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કદમ તિતાલી માણસ છે અને તેની આસપાસ બેસીને તેમની વાતો પર તાળી વગાડનારા પણ તેવા જ છે. મને પણ બહુ બધુ બોલતા આવડે છે. રસ્તા પર ક્યારેક મળશે ત્યારે હું તેમને એ ભાષા સંભળાવીશ અને ત્યારે તેમને બચાવવા કોઇ નહીં આવે. તે પોતે પ્રધાન હતા ત્યારે તેમણે શું કર્યું? મેં તેમના પુત્રના મતવિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાનું ભંડોળ આપ્યું એ માટે તેમણે મારો આભાર માનવો જોઇએ.