આમચી મુંબઈ

સરપંચ હત્યા કેસ: માત્ર મિલકતો જપ્ત કરવાથી કામ નહીં ચાલે, આરોપીઓની ધરપકડ થવી જોઈએ: આઠવલે…

છત્રપતિ સંભાજીનગર: મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસ અને તેની સાથે જોડાયેલા ખંડણી કેસના આરોપીઓની મિલકતો જપ્ત કરવી પૂરતી નથી, ગુનેગારોની શક્ય તેટલી વહેલી તકે ધરપકડ થવી જોઈએ, એમ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ સોમવારે મૃતકના પરિવારને મળ્યા બાદ કહ્યું હતું.

આ પણ વાંચો : નવા વર્ષની શરૂઆત ડ્રગમુક્ત અને દુર્ઘટનામુક્ત કરવાની પોલીસની અપીલ

પોલીસના જણાવ્યા મુજબ બીડના મસ્સાજોગના સરપંચ દેશમુખનું નવમી ડિસેમ્બરે અપહરણ કર્યા બાદ ત્રાસ આપીને હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેમણે આ વિસ્તારમાં પવનચક્કી પ્રોજેક્ટ ચલાવતી ઊર્જા કંપની પાસેથી ખંડણી માગવાના પ્રયાસને નિષ્ફળ કરવા માટે દરમિયાનગીરી કરી હતી.

અત્યાર સુધીમાં આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસના આરોપી વાલ્મિક કરાડ પર રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. કરાડ પરલીના વિધાનસભ્ય અને રાજ્યના પ્રધાન ધનંજય મુંડેના નજીકના સાથી હોવાનું કહેવાય છે.

28 ડિસેમ્બરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દેશમુખ હત્યા કેસના આરોપીઓની મિલકતો જપ્ત કરવાનો આદેશે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ને આપ્યો હતો.

‘માત્ર મિલકતો જપ્ત કરવાથી કામ નહીં ચાલે. ગુનેગારોની શક્ય તેટલી વહેલી તકે ધરપકડ થવી જોઈએ. આ મુદ્દો ગંભીર છે અને પોલીસે કોઈપણ પ્રકારના દબાણ હેઠળ કામ ન કરવું જોઈએ,’ એમ દેશના સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન રામદાસ આઠવલેએ જણાવ્યું હતું.

કેસનો ઉકેલ લાવવામાં અને ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં થયેલા વિલંબનો ઉલ્લેખ કરતાં આઠવલેએ કહ્યું હતું કે, જ્યારે મુખ્ય પ્રધાન ફડણવીસે વિધાનસભાને ઝડપી તપાસની ખાતરી આપી હતી ત્યારે આ બાબત સ્વીકાર્ય નથી.

એનર્જી કંપનીના સુરક્ષા ગાર્ડ અશોક સોનાવણેએ હુમલો કરવાનો આરોપ લાગ્યો ત્યારે જ જો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો દેશમુખની હત્યા ટાળી શકાઈ હોત, એવો દાવો આઠવલેએ કર્યો હતો.

આ પણ વાંચો : મુંબઈના દરિયામાં ફરી અકસ્માતઃ માછીમારોની બોટ સાથે શિપ ટકરાઈ

આઠવલેએ કહ્યું કે તેઓ દેશમુખના પરિવારને શક્ય તેટલી વહેલી તકે ન્યાય મળે તે માટે ફડણવીસને મળશે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button