ઠાકરે બંધુની હાર અંગે આઠવલેએ આપ્યું નિવેદનઃ મુંબઈગરાઓએ જુલમનો અસ્વીકાર કર્યો…

મુંબઈ: મરાઠીના મુદ્દા સાથે મહાનગરપાલિકાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઠાકરે બંધુઓએ મુંબઈમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી હોવાથી મુંબઈમાં પહેલીવાર ભાજપના મેયર બનશે.
મહાનગરપાલિકાની આ મોટી નિષ્ફળતા પર કેન્દ્રીય રાજ્યપ્રધાન રામદાસ આઠવલેએ ઠાકરે બંધુઓ પર કટાક્ષ કર્યો હતો. ‘અમે જેની સાથે હોઈએ છીએ, સત્તા તેમની જ હોય છે” એમ કહેતા રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, મુંબઈગરાઓએ ફરી એકવાર દાદાગીરીને મક્કમપણે નકારી દીધી છે.
આ પણ વાંચો…મુંબઈમાં ભાજપની જીત નિશ્ચિત, નિશિકાંત દુબેએ કહ્યું મુંબઈ આવીને ઠાકરે બંધુઓને મળીશ…
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનની જીત બાદ રામદાસ આઠવલેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના નિવાસસ્થાને શુભેચ્છા પાઠવી હતી. આઠવલેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આ વિજય માત્ર મહાયુતિનો નથી, પરંતુ સામાન્ય જનતાના વિશ્વાસનો છે. કાર્યકર્તાઓએ કરેલી મહેનત, નેતૃત્વ પરનો જનવિશ્વાસ અને વિકાસની સકારાત્મક દિશા – આ બધાનું આ સફળ પરિણામ છે.’
બીજી તરફ પ્રધાન નિતેશ રાણેએ મહાનગરપાલિકાના પરિણામોમાં ભાજપ અને ગઠબંધન આગળ હોવાનું સામે આવ્યા બાદ હસતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો શેર કરતી વખતે તેમણે ‘ઉદ્ધવજી અને પેંગ્વિનને, જય શ્રી રામ!’ એવું કેપ્શન પણ આપ્યું હતું.
આ પણ વાંચો…નિતેશ રાણેએ ક્યા વિપક્ષી નેતાને પેંગ્વિન ગણાવીને લખ્યું, ઉદ્ધવજી અને પેંગ્વિનને જય શ્રી રામ…
ભાજપ માટે મુંબઈમાં મીઠી ‘રસમલાઈ’ જેવો વિજય હોવાની પ્રતિક્રિયા બેંગલુરુના ભાજપ સાંસદ અને યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ આપી હતી.



