કેવડિયામાં સરદારનું સ્ટેચ્યુ બનાવનાર રામ સુતારમાલવણમાં શિવાજી મહારાજની પ્રતિમા બનાવશે…
૧૦૦ વર્ષ સુધી પ્રતિમાને ઊની આંચ નહીં આવે એવી ટેન્ડરમાં શરત

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરાયેલા સિંધુદુર્ગ જિલ્લાના માલવણ ખાતે આવેલા રાજકોટ કિલ્લા પરની છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઑગસ્ટ મહિનામાં તૂટી પડી હતી. આ ઘટના બાદ રાજકીય વાતાવરણ ઘણું ગરમાયું હતું. હવે ચાર મહિના બાદ રાજ્ય સરકારે તે જગ્યાએ જ ૬૦ ફૂટનું શિવાજી મહારાજનું પૂતળું બનાવવાનું કામ જાણીતા વરિષ્ઠ શિલ્પકાર રામ સુતાર અને તેમના પુત્ર અનિલ સુતારની કંપનીને આપ્યું છે. રામ સુતાર આર્ટ ક્રિએશન પ્રા. લિ. કંપનીએ આ અગાઉ ગુજરાતમાં કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું સરદાર વલ્લભભાઇ પટેલનું વિશાળ પૂતળું બનાવ્યું છે.
આ પણ વાંચો : ફેમિલી પ્લાનિંગના ઑપરેશન બાદ મહિલાઓ સાથે આવો વ્યવહારઃ હિંગોલીની હૉસ્પિટલનો ચોંકાવનારો કિસ્સો
નૌકાદળ નિમિત્તે ચોથી ડિસેમ્બર, ૨૦૨૩ના રાજકોટ કિલ્લા પર શિવાજી મહારાજના પૂતળાનું અનાવરણ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ૨૬મી ઑગસ્ટના રોજ ૩૫ ફૂટનું આ પૂતળું તૂટી પડ્યું હતું. રાજ્ય પ્રશાસને ત્યાં શિવાજી મહારાજના પૂતળાની ડિઝાઇન, ટેક્નિકલ બાબત, બાંધકામ, દેખરેખ વગેરે કામ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા જેમાં ગાર્નેટ ઈન્ટિરિયર્સએ ૨૦.૯૦ કરોડ રૂપિયાની અને રામ સુતાર આર્ટ ક્રિએશન પ્રા. લિ.એ ૩૬.૦૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. છેવટે રામ સુતારની કંપનીને ૨૦.૯૫ કરોડ રૂપિયાનો કોન્ટે્રક્ટ આપવામાં આવ્યા હતો. કંપનીએ આ પૂતળું છ મહિનામાં બનાવવાનું રહેશે.
છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું કેવું હશે?
કાંસાનું ૬૦ ફૂટ ઊંચુ અને ઓછામાં ઓછી આઠ મિ.મી. જાડાઇનું પૂતળું બનાવવામાં આવનાર છે. માથાથી લઇને પગ સુધીની ઊંચાઇ ૬૦ ફૂટ હશે. આ સિવાય ૩ મીટર ઊંચાઇનું મજબૂત સિંહાસન હશે. કોન્ટ્રેક્ટ પ્રમાણે પૂતળું ૧૦૦ વર્ષ સુધી ટકે એવી શરત પણ મૂકવામાં આવી છે. આ સિવાય કંપનીએ ૧૦ વર્ષ સુધી પૂતળાની દેખરેખ અને સમારકામ કરવાનું રહેશે.