રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઃ મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસના સંભવિત ઉમેદવાર કોણ હશે?
મુંબઈ: રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઇ ગયા છે અને તમામ રાજકીય પક્ષોએ પણ ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે છ એવા રાજ્યસભા સાંસદો છે જેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે.
ખાસ કરીને કૉંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ બનવા માટે ઉમેદવાર તરીકે કોને પસંદ કરવામાં આવશે તેના ઉપર બધાની નજર ટકેલી છે અને સૌથી વધુ નામ જેનું ચર્ચાઇ રહ્યું છે તે છે પવન ખેડા.
કૉંગ્રેસ તેના વિશ્ર્વાસુ એવા પવન ખેડાની રાજ્યસભાની ચૂંટણીના સંગ્રામમાં ઉતારી શકે એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. પવન ખેડા કૉંગ્રેસ પક્ષનો જાણીતો ચહેરો છે અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેનો હોદ્દો સંભાળે છે. 27 તારીખે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારો પસંદ કરવામાં લાગી ગયા છે.
આ વર્ષે મહારાષ્ટ્રમાં વી. મુરલીધરન (રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન), નારાયણ રાણે (સાંસદ), પ્રકાશ જાવડેકર (પૂર્વ કેન્દ્રીય પ્રધાન ), કુમાર કેતકર(કૉંગ્રેસ સદસ્ય), વંદના ચવ્હાણ(એનસીપી સદસ્ય) અને અનિલ દેસાઇ (ઉદ્ધવ ઠાકરે જૂથના સદસ્ય) આ છ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂરો થાય છે. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોમાં 57 રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
આ સિવાય ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા, ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બલૂની તેમ જ સમાજવાદી પાર્ટીના સાંસદ તેમ જ અભિનેત્રી જયા બચ્ચનનો રાજ્યસભા સાંસદ તરીકેનો કાર્યકાળ પણ આ વર્ષે પૂરો થઇ રહ્યો છે.