પૂર્વ પ્રધાન રાજેન્દ્ર મુલકની કોંગ્રેસમાં ઘરવાપસી: સસ્પેન્શન રદ કરાયું

મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે એક મોટો નિર્ણય લેતા પૂર્વ પ્રધાન રાજેન્દ્ર મુલકનું પાર્ટીમાંથી સસ્પેન્શન રદ કર્યું છે. આ પછી મુલક ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે મુલકની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથેની મુલાકાતનો એક ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ સાથે પાર્ટીએ લખ્યું હતું દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાની હાજરીમાં આજે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન રાજેન્દ્ર મુલકનું સસ્પેન્શન ઔપચારિક રીતે પાછું ખેંચી લેવામાં આવ્યું.
આ પ્રસંગે, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે મુલકનું પાર્ટીમાં પુનરાગમન પર સ્વાગત કર્યું અને સત્તાવાર રીતે સસ્પેન્શન પાછું ખેંચવાની જાહેરાત કરી. આ પ્રસંગે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી બી.એમ. સંદીપ અને કુણાલ ચૌધરી પણ હાજર રહ્યા હતા.”
ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી દરમિયાન ભૂતપૂર્વ પ્રધાન રાજેન્દ્ર મુલકને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રામટેક બેઠક MVA (મહાવિકાસ આઘાડી)માં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના UBT (ઉદ્ધવ ઠાકરે જૂથ)ને ફાળવવામાં આવી હતી. આમ છતાં, તેઓ રામટેક બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
એકનાથ શિંદેની શિવસેનાના નેતા આશિષ જયસ્વાલ રામટેક બેઠક પરથી જીત્યા હતા. અપક્ષ ઉમેદવાર મુલક બીજાસ્થાને રહ્યા હતા. શિવસેનાના યુબીટી ઉમેદવાર વિશાલ રામટેક ત્રીજાસ્થાને રહ્યા હતા. જયસ્વાલને 1,07,967 મત મળ્યા. મુલકને 81,412 મત મળ્યા અને વિશાલને ૫,૫૦૧ મત મળ્યા. જયસ્વાલે 2019 ની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીત મેળવી હતી.