વૈષ્ણવી આત્મહત્યા કેસ:એનસીપીના ભૂતપૂર્વ નેતા રાજેન્દ્ર હગવણે, પુત્રની ધરપકડ…

પુણે: પુણેમાં દહેજ માટે અપાતા ત્રાસથી કંટાળીને પુત્રવધૂ વૈષ્ણવીએ આત્મહત્યા કર્યા બાદ ફરાર થયેલા અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા રાજેન્દ્ર હગવણે અને તેના પુત્રની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
રાજેન્દ્ર હગવણે અને તેના પુત્ર સુશિલને પુણેના સ્વારગેટ વિસ્તારમાંથી તાબામાં લેવામાં આવ્યા હતા. તેઓ શહેર છોડીને ભાગી છૂટવાની તૈયારીમાં હતા, એમ પિંપરી-ચિંચવડના ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-2) વિશાલ ગાયકવાડે જણાવ્યું હતું.
રાજેન્દ્ર અને સુશિલને પકડવા માટે પોલીસની આઠ ટીમ તૈયાર કરવામાં આવી હતી. બંનેને પકડી પાડવામાં આવ્યા બાદ તેમને કોર્ટમાં હાજર કરાયા હતા.
રાજેન્દ્ર હગવણેની પુત્રવધૂ વૈષ્ણવી (26)એ દહેજ માટે અપાતા ત્રાસથી કંટાળીને 16 મેના રોજ પિંપરી-ચિંચવડ ખાતેના બાવધન વિસ્તારમાં આવેલા ઘરે ગળાફાંસો ખાધો હતો. વૈષ્ણવીનાં માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેમણે પુત્રીના લગ્ન સમયે હગવણે પરિવારને 51 તોલા સોનું, ચાંદી અને એસયુવી આપી હતી, પરંતુ હગવણે પરિવાર વૈષ્ણવીની સતામણી ચાલુ રાખી હતી અને જમીન ખરીદવા વધુ બે કરોડ રૂપિયાની માગણી કરી હતી.
પોલીસે આ પ્રકરણે વૈષ્ણવીના પતિ શશાંક હગવણે, સાસુ લતા, સસરા રાજેન્દ્ર, દેરાણી કરિશ્મા અને દિયર સુશિલ સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા અને ઘરેલું હિંસા સંબંધી ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે વૈષ્ણવીના પતિ, સાસુ અને દેરાણીની ધરપકડ કરી હતી, જ્યારે સસરો રાજેન્દ્ર અને દિયર સુશિલ ફરાર હતા, જેમની શુક્રવારે ધરપકડ કરાઇ હતી. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે આ કિસ્સો બહાર આવ્યા બાદ રાજેન્દ્ર અને તેના પુત્રને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને કસૂરવાર ગમે તે હોય તેની સામે કઠોર કાર્યવાહી થઇને જ રહેશે.
આપણ વાંચો : દહેજ કેસ: NCP નેતાની પુત્રવધૂના મોત અંગે મોટા ખુલાસા