આમચી મુંબઈ

સેક્સ્ટોર્શનના કેસમાં રાજસ્થાનથીકૉલેજના વિદ્યાર્થીની ધરપકડ

મુંબઈ: વિલેપાર્લેમાં રહેતા યુવકને અશ્ર્લીલ વીડિયોની જાળમાં સપડાવી ખંડણી વસૂલવાના કેસમાં જૂહુ પોલીસે રાજસ્થાનથી કૉલેજના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.


પકડાયેલા આરોપીની ઓળખ આશિષ સ્વામી તરીકે થઈ હતી. રાજસ્થાનના અલવર પરિસરમાં રહેતો સ્વામી કૉલેજ સ્ટુડન્ટ છે અને ગુનામાં તેના બૅન્ક ખાતાનો ઉપયોગ થયો હોવાનું તપાસમાં જણાયું હતું.
ખાનગી કંપનીમાં કામ કરતો અને વિલેપાર્લેમાં રહેતો 30 વર્ષનો ફરિયાદી છેલ્લાં બે વર્ષથી ડેટિંગ ઍપ પર ઍક્ટિવ હતો, જ્યાં તેની ઓળખાણ સોની નામની યુવતી સાથે થઈ હતી. થોડો સમય ચૅટિંગ કર્યા પછી બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી અને બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી.


પોલીસ ફરિયાદ અનુસાર એક વાર યુવતીએ વીડિયો કૉલ કર્યો હતો. કૉલ દરમિયાન યુવતી નિર્વસ્ત્ર થઈ હતી. શંકા જતાં ફરિયાદીએ તાત્કાલિક કૉલ કટ કર્યો હતો. જોકે થોડી મિનિટ પછી યુવતીએ ફરી ફોન કર્યો હતો. ફોન પર યુવતી અશ્ર્લીલ વાતો કરતી હોવાથી ફરિયાદીએ મોબાઈલ ફોનમાંથી તેનો નંબર ડિલિટ કરી નાખ્યો હતો.
બાદમાં એક શખસે ફરિયાદીને ફોન કરી પોતાની ઓળખ સીબીઆઈના અધિકારી તરીકે આપી હતી. યુવતી સાથેનો અશ્ર્લીલ વીડિયો યુટ્યૂબ પર અપલૉડ કરવામાં આવ્યો હોવાથી ફરિયાદી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની વાત શખસે કરી હતી. કાર્યવાહીથી બચવા અને યુટ્યૂબ પરનો વીડિયો ડિલિટ કરવા માટે શખસે 50 હજાર રૂપિયાની માગણી કરી હતી. બદનામી અને ધરપકડના ડરે ફરિયાદીએ નાણાં આરોપીએ આપેલા બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.


જોકે શખસે વારંવાર ફોન કરી વધુ રૂપિયાની માગણી કરતાં ફરિયાદીએ જૂહુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નાણાં સ્વામીના ખાતામાં જમા થયા હતા. રાજસ્થાન પહોંચેલી પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી સ્વામીને તાબામાં લીધો હતો. પોતાના ખાતામાં જમા થયેલી રકમ એટીએમમાંથી કઢાવીને સ્વામી પોતાનું કમિશન રાખી લેતો હતો અને બાકીની રકમ તેના સાથીને આપતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button