
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ‘જો આપણે કોઈ મોટી બાબતને ધ્યાનમાં રાખીએ, તો અમારી વચ્ચેનો વિવાદ ખૂબ જ નાનો છે. તેની સામે મહારાષ્ટ્ર ખૂબ મોટું છે. આ મહારાષ્ટ્રના અસ્તિત્વ અને મરાઠી લોકોના અસ્તિત્વ માટે, અમારી વચ્ચેનો વિવાદ અને બીજી બધી બાબતો નજીવી છે. તેથી, સાથે આવવું અને સાથે રહેવું, આ બાબતો મુશ્કેલ નથી, પરંતુ પ્રશ્ર્ન ફક્ત ઇચ્છાશક્તિનો છે,’ એમ મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું, જેમણે ગઠબંધન માટે શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે તરફ પરોક્ષ રીતે હાથ લંબાવ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. રાજ ઠાકરેએ આ નિવેદન અભિનેતા અને દિગ્દર્શક મહેશ માંજરેકર સાથેની મુલાકાતમાં આપ્યું હતું.
શું તમે અને શિવસેના ફરીથી ગઠબંધન કરી શકો છો? એવો પ્રશ્ર્ન મહેશ માંજરેકરે એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછ્યો હતો. તેના પર રાજ ઠાકરેએ કહ્યું હતું, ‘એક સાથે આવવું મુશ્કેલ નથી. મહારાષ્ટ્રનું મોટું ચિત્ર જોવાની જરૂર છે અને હું તે જોઈ રહ્યો છું. હું જે કહી રહ્યો છું તે એ છે કે મહારાષ્ટ્રના તમામ રાજકીય પક્ષોના તમામ મરાઠી નેતાઓએ ભેગા થઈને એક જ પક્ષ બનાવવો જોઈએ,’ એમ કહેતાં રાજે એવું પણ સૂચન કર્યું છે કે મહારાષ્ટ્રના ભલા માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે ગઠબંધન કરવામાં તેમને કોઈ સમસ્યા નથી.
ઇન્ટરવ્યુમાં રાજ ઠાકરેએ આગળ કહ્યું હતું કે, ‘શિવસેના છોડ્યા પછી, મેં વિચાર્યું હતું કે હું બાળાસાહેબ સિવાય કોઈના હાથ નીચે કામ નહીં કરું, પરંતુ જ્યારે હું શિવસેનામાં હતો, ત્યારે મને ઉદ્ધવ સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નહોતી. શું બીજી પાર્ટી ઇચ્છે છે કે હું તેમની સાથે કામ કરું?’ એમ રાજ ઠાકરેએ પૂછ્યું હતું. આ અંગે મહેશ માંજરેકરે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રની એવી ઈચ્છા છે.’ માંજરેકરની ટિપ્પણી પર રાજે ઉદ્ધવ ઠાકરેને ગઠબંધન માટે આવકારતાં કહ્યું, ‘જો મહારાષ્ટ્ર ઇચ્છે છે કે આપણે ગઠબંધન કરીએ, તો મહારાષ્ટ્રે જઈને તેમને (ઉદ્ધવ ઠાકરે) કહેવું જોઈએ. હું ક્યારેય મારા અહંકારને નાની બાબતોમાં લાવતો નથી, હું એને વચ્ચે લાવતો પણ નથી.’
આપણ વાંચો : મુંબઈમાં જૈન દેરાસર તોડી પાડ્યાના વિરોધમાં જૈનો મોટી સંખ્યામાં આવ્યાઃ ઠાકરેએ કરી ટ્વીટ…