આમચી મુંબઈ

ભાજપે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવશે…

પરંતુ તેમને પ્રધાન મંડળમાં સામેલ કરવામાં આવ્યા: રાજ ઠાકરે...

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ ગુરુવારે શાસક ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે પાર્ટીએ એક સમયે કહ્યું હતું કે કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવશે, પરંતુ તેમને રાજ્યના પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Also read : દસમા-બારમાની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી

મનસેના એક મેળાવડામાં બોલતા, તેમણે ગયા વર્ષની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પણ શંકા વ્યક્ત કરતાં પૂછ્યું હતું કે અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) લોકસભા ચૂંટણીમાં માત્ર એક બેઠક જીત્યાના થોડા મહિના પછી જ વિધાનસભામાં 42 (બેતાલીસ) બેઠકો કેવી રીતે જીતી ગઈ હતી.

‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 70,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવશે, પરંતુ તેમણે તેમને ક્યાં મૂક્યા? પ્રધાનમંડળમાં,’ એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.

તેઓ 2023માં મધ્યપ્રદેશમાં પીએમ મોદીના ભાષણનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યાં તેમણે મહારાષ્ટ્રમાં કથિત સિંચાઈ કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપે આ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ તે સમયે વિરોધ પક્ષના નેતા અજિત પવાર પર નિશાન સાધ્યું હતું. જોકે, અજિત પવાર બાદમાં રાજ્યમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા અને જુલાઈ 2023 માં તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

રાજ ઠાકરેએ કહ્યું હતું કે ભાજપે એક સમયે ઘણા નેતાઓ પર ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, પરંતુ બાદમાં તેમની સાથે હાથ મિલાવીને તેમને મુખ્ય પ્રધાન અને પ્રધાન બનાવ્યા હતા.

તેમણે પશ્ચિમ બંગાળના નેતા મુકુલ રોયના ભાજપમાં સમાવેશ (ટીએમસીમાં પાછા ફરતા પહેલા), કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાના ભાજપમાં ફરી જોડાવા અને ઓમર અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને સ્વ. મુફ્તી મોહમ્મદ સઈદ જેવા નેતાઓ સાથે પાર્ટીના જોડાણનો ઉલ્લેખ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં, રાધાકૃષ્ણ વિખે પાટિલ, હર્ષવર્ધન પાટિલ અને નારાયણ રાણે, જેઓ એક સમયે કોંગ્રેસમાં હતા, તેઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા, એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું.

Also read : શિવસેનાના ગુમ પદાધિકારીને શોધવા પોલીસની આઠ ટીમ તૈયાર: ચાર જણ તાબામાં

‘ભાજપના નેતા કિરીટ સોમૈયાએ અનેક નેતાઓ પર આરોપો લગાવ્યા હતા, પરંતુ હવે આ જ લોકો પ્રધાનમંડળમાં છે,’ એમ તેમણે કહ્યું હતું.

પરિણામો પછી સન્નાટો કેમ હતો?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ પરિણામોનું વિશ્ર્લેષણ કરતી વખતે થોડા સમય માટે મૌન રહ્યા હતા.

પરિણામના દિવસે, સમગ્ર મહારાષ્ટ્રમાં અસામાન્ય શાંતિ હતી. જે પ્રકારની ઉજવણી થવી જોઈતી હતી તે થઈ ન હતી. મેં જે આરએસએસ સાથે વાત કરી હતી તે પણ કેટલાક લોકો આશ્ર્ચર્યચકિત થયા. તેમાંથી એકે મજાકમાં મને પૂછ્યું – ‘આટલો બધો સન્નાટો કેમ છે? કોઈ તો જીતી ગયું હશે, ખરું ને?’ તો આ સન્નાટો શું દર્શાવે છે?’ એમ તેમણે કહ્યું હતું.

તેમણે પૂછ્યું કે વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ 42 બેઠકો કેવી રીતે જીતી, જ્યારે શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી)ને ફક્ત 10 બેઠકો મળી હતી.

‘કોંગ્રેસે મહારાષ્ટ્રમાં લોકસભામાં સૌથી વધુ બેઠકો મેળવી અને શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી)એ સંસદીય ચૂંટણીમાં 8 બેઠકો જીતી, પરંતુ માત્ર 10 વિધાનસભા બેઠકો જીતી શકી. બીજી તરફ, અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીએ ફક્ત એક લોકસભા બેઠક જીતી હતી, પરંતુ 42 વિધાનસભા બેઠકો જીતી. તે કેવી રીતે શક્ય છે?’ એમ તેમણે પુછ્યું હતું.

મહારાજને લેઝિમ રમતા કેવી રીતે દેખાડી શકાય?

છત્રપતિ સંભાજી મહારાજને લેઝિમ કરતા દેખાડતા આગામી ફિલ્મ ‘છાવા’ના એક દૃષ્યને લગતા વિવાદ પર ઠાકરેએ કહ્યું કે ફિલ્મના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર તાજેતરમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તેમને મળ્યા હતા.

Also read : પરવડી શકે એવા ઘરો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર નવી મ્હાડા પોલીસી તૈયાર કરશે: એકનાથ શિંદે

‘લેઝીમ એ મહારાષ્ટ્રનું પરંપરાગત નૃત્ય છે. સંભાજી મહારાજે કોઈ સમયે લેઝીમ પસંદ કર્યું હશે, કોણ જાણે? ભલે તે ઇતિહાસના પુસ્તકોમાં ન હોય, તે આપણી કલ્પનામાં હોઈ શકે છે, પરંતુ મેં દિગ્દર્શકને પૂછ્યું કે શું પ્રશ્ર્નમાં રહેલું ગીત ફિલ્મના વર્ણન માટે મહત્વપૂર્ણ છે કે ફક્ત ઉજવણીનું ગીત. તેમણે કહ્યું કે તે ફક્ત ઉજવણી દર્શાવવા માટે હતું. તેથી, મેં તેમને પૂછ્યું કે શું એક ગીત માટે આખી ફિલ્મનું જોખમ લેવું જરૂરી છે.’

ઠાકરેને મળ્યા પછી, ફિલ્મના દિગ્દર્શકે એવી જાહેરાત કરી હતી કે લેઝીમ નૃત્યનું દૃષ્ય ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button