મોદી ન હોત તો અયોધ્યામાં રામ મંદિર બન્યું ન હોત: રાજ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ શનિવારે એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ન હોત તો સુપ્રીમ કોર્ટના આદેશ છતાં અયોધ્યામાં રામ મંદિર ક્યારેય બાંધવામાં આવ્યું ન હોત.
મુંબઈમાં પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મનસે મહાયુતિ માટે એવા નેતાઓની યાદી તૈયાર કરશે જેમની સાથે ચૂંટણીમાં સંકલન સાધી શકાય. જોકે, મહાયુતિના ઉમેદવારોના પ્રચાર માટે રેલીને સંબોધશે? એવા સવાલોનો રાજ ઠાકરેએ કોઈ જવાબ આપ્યો નહોતો.
તેમણે કહ્યું હતું કે પાર્ટીના લોકો, પદાધિકારીઓ અને અન્ય સંગઠનોના લોકોની સાથે ચર્ચા કરી છે અને તેમને કહ્યું છે કે મહાયુતિના ઉમેદવારો માટે પ્રચાર કરવો. જોકે, સામે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે મનસેના નેતાઓને યોગ્ય સન્માન આપવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ન હોત તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રામ મંદિર ક્યારેય બંધાયું ન હોત. તે કાયમ પડતર મુદ્દો બની રહ્યો હોત. તેમણે એમ પણ કહ્યું હતું કે રામ મંદિર બાંધવાનો મુદ્દો 1992થી પડતર હતો. કેટલીક સારી બાબતો બની છે, જેની પ્રશંસા આવશ્યક છે. એક તરફ બિનકાર્યક્ષમ નેતૃત્વ છે અને બીજી તરફ મજબૂત નેતૃત્વ છે. આથી અમે નરેન્દ્ર મોદીને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.
શિવસેના યુબીટીની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે તેમને કમળો થયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રને લગતા કેટલાક મુદ્દાઓ અંગે સમજૂતી કરવામાં આવી છે જેમાં મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપવો, કિલ્લાઓનું જતન કરવું વગેરે ભાજપને જણાવવામાં આવશે.