
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ ગમે ત્યારે થવાની શક્યતા છે એવા સમયે બંને ઠાકરે એકસાથે આવશે એવી ગયા મે મહિનાથી ચાલી રહેલી અટકળોમાં રવિવારે નવું છોગું ઉમેરાયું હતું. મનસે અધ્યક્ષ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના નિવાસસ્થાન માતોશ્રી પર પહોંચ્યા હતા અને બંને ભેટ્યા બાદ બંને પાર્ટીના ટેકેદારોમાં આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, રાજ્યના રાજકારણમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલાં, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ફરજિયાત હિન્દી શીખવવાના મુદ્દા પર રેલી કરવા માટે મુંબઈમાં એક થયા હતા. ત્યારે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ગઠબંધનનો સંકેત આપ્યો હતો. રવિવારે સવારે રાજ ઠાકરે ‘માતોશ્રી’ પહોંચ્યા હતા અને બધાને આશ્ર્ચર્યચકિત કરી દીધા.
આ પણ વાંચો: ઠાકરે ભાઈઓ ભેગા થતાં જ મુંબઈમાં ઓપરેશન ટાઈગર ઠંડું પડ્યું?
શિવસેના (ઠાકરે) પાર્ટીના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો રવિવારે જન્મદિવસ હતો. આ પ્રસંગે મનસે પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી પહોંચ્યા હતા અને ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. એવું પણ કહેવાય છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે વીસ મિનિટથી વધુ ચર્ચા થઈ હતી. તેથી, હવે આગામી સમયમાં મનસે અને શિવસેના ઠાકરે જૂથ વચ્ચે જોડાણ પાક્કું માનવામાં આવી રહ્યું છે.
રાજ ઠાકરેએ માતોશ્રીમાં પગ મૂકતાંની સાથે જ ઉદ્ધવ ઠાકરે ખુશ જોવા મળ્યા. આ વખતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બાળાસાહેબના ફોટા સામે માતોશ્રીમાં મળ્યા હતા. બંને ભાઈઓએ એકબીજાને ગળે ભેટ્યા હતા. આ કારણે, એવું કહેવાય છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બે દાયકા બાદ હવે પાક્કું સમાધાન થઈ ગયું છે.
આ પણ વાંચો: મરાઠી મુદ્દે ઠાકરે ભાઈઓની એકતાનો તોડ: ભાજપે ચૂંટણીની વ્યૂહરચના બદલી
રાજ ઠાકરે માતોશ્રીમાં આવ્યા અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવ્યા બાદ, ઉદ્ધવ ઠાકરેએ ફક્ત બે શબ્દોમાં પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ‘આજે હું ખૂબ ખુશ છું.’ આ સમયે શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત, મનસેના નેતા બાળા નાંદગાંવકર અને અન્ય નેતાઓ પણ હાજર હતા.
આ પહેલાં પાંચમી જુલાઈના રોજ મુંબઈમાં આયોજિત સભામાં બોલતા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, રાજે તેમના ભાષણની શરૂઆતમાં માનનીય વ્યક્તિ તરીકે મારો ઉલ્લેખ કર્યો હતો. રાજે તેમના ભાષણમાં મરાઠીના મુદ્દા અને હિન્દીની ફરજિયાતતા વિશે રજૂઆત કરી છે. વ્યક્તિગત રીતે, મને લાગે છે કે અમારા ભાષણ કરતાં અમારું એકસાથે દેખાવું વધુ મહત્વપૂર્ણ છે. અમે સાથે રહેવા માટે, સાથે આવ્યા છીએ, એમ બોલતાં ઉદ્ધવ ઠાકરેએ બંને પાર્ટી વચ્ચે ગઠબંધનના સંકેત આપ્યા હતા.