દશેરા પર રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના નેતાઓના રાજકારણ પર નિશાન સાધ્યું
મુંબઇઃ દેશભરમાં આજે દશેરાનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આજે દશેરા નિમિત્તે શિવસેનાના બંને જૂથો દ્વારા દશેરા મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ની પાર્ટીની બેઠક છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક મેદાનમાં યોજાશે, જ્યારે શિવસેના (એકનાથ શિંદે)ની પાર્ટીની બેઠક આઝાદ મેદાનમાં યોજાશે. બીડમાં પંકજા મુંડે અને મનોજ જરાંગે પાટિલની સભા યોજાશે. દશેરાના અવસર પર, MNSના વડા રાજ ઠાકરેએ આજે સવારે પોડકાસ્ટ દ્વારા જનતા સાથે વાતચીત કરતા તેમને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત મતદારોએ ચૂંટણીમાં શું કરવાની જરૂર છે? આ અંગે માહિતી આપી હતી.
વિજયા દશમીના અવસર પર પ્રથમ વખત પોડકાસ્ટ દ્વારા બોલતા રાજ ઠાકરેએ રાજ્યની રાજનીતિ અને રાજનેતાઓની ટીકા કરી હતી અને કહ્યું હતું કે મહારાષ્ટ્રનું સોનું ઘણા વર્ષોથી લૂંટાઈ રહ્યું છે. આપણી પાસે આપ્ટાના પાન જ બચ્યા છે, સોનું બીજાઓ લઈ ગયા છે. ક્યારેક આપણે આપણા પોતાના જીવનમાં વ્યસ્ત હોઈએ છીએ તો ક્યારેક આપણે જાતિમાં વ્યસ્ત હોઈએ છીએ. ચૂંટણી પહેલા આવેલો આજનો દશેરાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે નિષ્ક્રિય રહેવાથી કામ નહીં ચાલે. દર વર્ષે તમે અવઢવમાં રહો છો અને રાજકીય પક્ષો તેમની રમત રમે છે.
મહારાષ્ટ્રની પ્રગતિ ક્યાં છે? જરા જુઓ. માત્ર રસ્તા અને પુલ બનાવવાનો અર્થ પ્રગતિ નથી. મોબાઈલ, કલર ટીવી ગેજેટ્સનો મતલબ પ્રગતિ નથી. પ્રગતિ સમાજમાંથી જ આવે છે. તેમણે મહારાષ્ટ્રના યુવાનો, યુવતીઓ, ખેડૂતો, બધાને જ અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ‘ દશેરા પછી ચૂંટણી આવી રહી છે ત્યારે હવે શમીના ઝાડ પર શસ્ત્ર ઉતારો. હવે ક્રાંતિનો સમય છે. આ દરમિયાનગીરી કરવાનો સમય છે. હવે તમારે એ હથિયાર ઉતારવું પડશે અને બધાનું ધ્યાન ખેંચવું પડશે.’
‘હું ઘણા વર્ષોથી મહાન અને વિકસિત મહારાષ્ટ્રનું સપનું જોઉં છું. મારું સપનું છે કે મહારાષ્ટ્ર એટલું આગળ વધે કે દુનિયાને એની ઈર્ષા થાય…. તે માટે મારા સાથીદારોને ટેકો આપો.’ એમ કહીને રાજ ઠાકરેએ સૌને દશેરાની શુભેચ્છા પાઠવી હતી.