..તો આજે મહારાષ્ટ્રમાં થશે નવાજૂનીઃ રાજ ઠાકરે ‘મહાયુતિ’માં સામેલ થઈ શકે
મુંબઈ: આજે મહારાષ્ટ્રના નવા વર્ષ ગુડી પાડવાના અવસરે મુંબઈના છત્રપતિ શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે) રાજ ઠાકરેની એક ભવ્ય રેલી થવાની છે. આ રેલીમાં રાજ ઠાકરે 2024ની લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે મહાયુતિ (ભાજપ, શિંદે જૂથ અને અજિત પવાર જૂથ)માં સામેલ થવાની જાહેરાત કરે એવી શક્યતા છે.
લોકસભાvr ચૂંટણીમાં રાજ ઠાકરેની મનસે પણ મહાયુતિ સાથે મળીને ચૂંટણી લડશે, એવી જોરદાર ચર્ચા શરૂ થઈ હતી અને થોડા સમય પહેલા રાજ ઠાકરેએ દિલ્હી જઈને ભાજપના નેતા અમિત શાહની મુલાકાત લીધી હતી. આ અંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જો રાજ ઠાકરે મહાયુતિમાં સામેલ થવા માગે છે તો તેમના માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવશે.
ALSO READ : વિદર્ભની સ્થિતિ મહાયુતિ માટે લાભદાયક: ફડણવીસ વડા પ્રધાનની રેલીથી મોટો વિજય સુનિશ્ર્ચિત થશે
ભાજપ (ભારતીય જનતા પાર્ટી) લોકસભાની ચૂંટણીમાં પોતાનો પક્ષ મજબૂત બનાવવા માટે રાજ ઠાકરેની મનસેને પણ તેમની સાથે સામેલ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં જો રાજ ઠાકરે ભાજપ સાથે જોડવાનું નક્કી કરી શકે છે, તો ભાજપ મનસેને લોકસભા ચૂંટણીમાં મુંબઈની કોઈ એક સીટ આપી શકે છે. મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની અમિત શાહ સાથેની દિલ્હી બેઠક દરમિયાન ભાજપના નેશનલ સેક્રેટરી જનરલ વિનોદ તાવડે ત્યાં હાજર હતા.
લોકસભા ચૂંટણીની તારીખ હવે નજીકમાં છે અને મહાયુતિ વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ છે, જેથી આજના નવા વર્ષના અવસરે છત્રપતિ શિવાજી પાર્કમાં મનસે અધ્યક્ષ ભાજપ સાથે યુતિ કરવાની જાહેરાત કરી શકે છે, એવી મોટી શક્યતા છે. જોકે રાજ ઠાકરે પર તેમના અનેક ભાષણ દરમિયાન પરપ્રાંતીય વિરોધી ભાષણને લીધે ભાજપ અને બીજા રાજકીય પક્ષોએ પણ તેમની ટીકા કરી હતી..