ભૂતકાળના અનુભવ પછી રાજ ઠાકરે તેલ જોશે તેલની ધાર જોશે…
વિશ્વાસઘાત'ના અનુભવ પછી હાથ મિલાવવા મનસેની નક્કર પ્રસ્તાવની અપેક્ષા

મુંબઈ: શિવસેના (યુબીટી) તરફથી કોઈ નક્કર પ્રસ્તાવ આવ્યા પછી જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેના પક્ષ સાથે ગઠબંધન કરવા અંગે વિચારશે એવી સ્પષ્ટતા મનસેના એક વરિષ્ઠ નેતા દ્વારા કરવામાં આવી છે. અગાઉ કરેલી કોશિશ વખતે વિશ્વાસઘાત થયો હોવાથી આ વખતે રાજ ઠાકરે સાવચેતી રાખવા માંગે છે.

ગુરુવારે મુંબઈમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં મનસેના સંદીપ દેશપાંડેએ રાજ ઠાકરેના તાજેતરના ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે રાજકીય જોડાણ માટે સંબંધ તોડી નાખનારા પિતરાઇ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી સેના (યુબીટી) સાથે વાટાઘાટો કરવા માટે તૈયારી દેખાડી હતી. મુંબઈ, થાણા, નાશિક, નાગપુર અને પુણેના નાગરિક નિગમો સહિત મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં યોજાવાની છે.
દેશપાંડેનું કહેવું હતું કે ‘જો શિવસેના (યુબીટી) માનતી હોય કે મનસે સાથે જોડાણ શક્ય છે, તો પક્ષે નોંધપાત્ર દરખાસ્ત સાથે આગળ આવવું જોઈએ. દરખાસ્ત જાણ્યા પછી રાજ ઠાકરે નિર્ણય લેશે.’ ભૂતકાળ ઉખેળી મનસેના નેતાએ કહ્યું હતું કે ‘2014 હોય કે 2017, અમે દરખાસ્તો મોકલી હતી પરંતુ તેમણે વિશ્વાસઘાત કર્યો હતો. હવે જો અમારો સહકાર ઇચ્છતા હોય તો તેમણે રાજ ઠાકરેને યોગ્ય પ્રસ્તાવ મોકલવો જ જોઇએ. ત્યારબાદ તેઓ નિર્ણય લેશે.’ (પીટીઆઈ)
આપણ વાંચો : ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવે તો મહારાષ્ટ્રમાં શું બદલાશે, ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક?