મુંબઇમાં વરસાદની શરૂઆત, રાજ્યના 16 જિલ્લામાં યલો એલર્ટ
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. મુંબઈમાં પણ ચોમાસાની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. મુંબઈમાં શુક્રવારે સવારથી વરસાદ પડી રહ્યો છે. તેમજ હવામાન વિભાગે રાજ્યના 16 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે. વિદર્ભના યવતમાલ, વર્ધા, અમરાવતી, બુલઢાણા, વાશિમમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રત્નાગીરી, પુણે, થાણે, અહેમદનગર, ઉસ્માનાબાદ, સોલાપુર, લાતુર, નાસિક જિલ્લામાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચોમાસું સમયસર આવી ગયું હોવાથી ખેડૂતોએ વાવણીનું કામ શરૂ કરી દીધું છે.
મુંબઇની વાત કરીએ તો આજે સવારથી જ મુંબઈ અને ઉપનગરોમાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. દાદર વિસ્તારમાં સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈના પરા કાંદિવલી, બોરીવલી, મલાડ, દહિસર, ગોરેગાંવ વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના કોંકણમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. રત્નાગીરી અને ચિપલુનમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે 16 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. પ્રથમ પખવાડિયામાં દોઢ હજાર મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ડેમોની જળસપાટીમાં પણ વધારો થયો છે. રત્નાગીરીમાં રાજાપુર ખાતે આવેલો અનૂસ્કુરા ઘાટ કોંકણથી પશ્ચિમ મહારાષ્ટ્રને જોડે છે. અનૂસ્કુરા ઘાટમાં તિરાડ પડી છે., જેને કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયે છે. જાહેર બાંધકામ વિભાગ દ્વારા તિરાડ હટાવી રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.