આમચી મુંબઈ

મુંબઈમાં આજે ફરી વરસાદની આગાહી

હવામાન ખાતાની થાણે માટે પણ યલો અલર્ટની ચેતવણી

મુંબઈ: રાજ્યના અનેક જિલ્લામાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં પણ ગયા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડી ગયા બાદ હવામાન ખાતાએ મંગળવાર માટે ફરી એક વખત વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં મુંબઈ સહિત થાણે અને રાયગડ માટે યલો અલર્ટની ચેતવણી આપવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. મે મહિનામાં પડી રહેલા કમોસમી વરસાદને પગલે કેરીના પાક સહિત અનેક ઉત્પાદનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આગામી ત્રણેક દિવસ વીજળીના ગડગડાટ અને પવન ફૂંકાવાની સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, તેમાં પણ નાશિક, કોલ્હાપુર, સતારા, સાંગલી માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ સહિત થાણે માટે ૧૪ મે, બુધવાર સુધી યલો એલર્ટ રહેશે. હવામાન ખાતાના કહેવા મુજબ ગુરુવાર બાદ વાતાવરણ ચોખ્ખું થવાની શક્યતા છે.
હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ હાલ મુંબઈમાં પડી રહેલો વરસાદ ચોમાસા પહેલાનો વરસાદ છે, જે દેશના અન્ય ભાગોમાં ચોમાસાના જલદી આગમનની આગાહી કરી રહ્યો છે.

હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ હાલ લો લેવલ ટ્રફ સર્જાયો છે, જેને કારણે પવનોની પેટર્નમાં ફેરફાર થયો છે. હાલની પરિસ્થિતિઓ ૧૩ મે સુધીમાં આંદામાનમાં નૈર્ઋત્યના ચોમાસાની શરૂઆત માટે અનુકૂળ છે, જયારે કેરળમાં ૨૮ મે સુધીમાં ચોમાસાની શરૂઆતની શક્યતા છે. તેથી હાલ જે વરસાદ પડી રહ્યો છે, તેને ચોમાસા પહેલાનો એટલે કે પ્રી-મોન્સૂન શાવર કહી શકાય.

મુંબઈમાં ગયા અઠવાડિયે મુંબઈમાં સતત ચાર દિવસ યલો એલર્ટ હતું અને એ દરમ્યાન પડેલા કમોસમી વરસાદને પગલે મે મહિનાની કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી હતી, જેમાં કોલાબામાં ૧૯૫૧ બાદ મે મહિનામાં નીચું તાપમાન ૨૨.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સાંતાક્રુઝમાં ૨૦.૬ ડિગ્રી નોંધાયું હતું. ગયા અઠવાડિયે પડેલા વરસાદને પગલે મે, ૨૦૨૧ બાદનો આ મે મહિનો સૌથી ભીનો રહ્યો હતો. હવામાન ખાતાના આંકડા મુજબ મંગળવાર છ મેથી શુક્રવાર નવ મે, ૨૦૨૫ સુધીમાં ૪૮.૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જયારે સાંતાક્રુઝમાં આ જ સમયગાળા દરમ્યાન ૩૮.૪ ડિગ્રી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો…..ગરમી અને વરસાદની બેવડી ઋતુ રોગને આમંત્રણ આપે છે! આટલું કરજો નહીં તો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button