વરસાદને કારણે કોસ્ટલ રોડના પ્રોમોનેડના કામમાં વિધ્ન
આવતા મહિને પ્રોમોનેડ નાગરિકો માટે ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ પરના ૭.૫ કિલોમીટર અને ૨૦ મીટર પહોળા બહુપ્રતિક્ષિત પ્રોમેનેડના કામમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે બે અઠવાડિયાનો વિલંબ થઈ ગયો છે. હવે આ પ્રોમોનેડ મુંબઈગરા માટે જુલાઈમાં ખુલ્લો મુકાશે. મરીન ડ્રાઈવની માફક કોસ્ટલ રોડ પર જોગિંગ અને સાઈકલ ટ્રેક તેમ જ સિટીંગ એરિયા, ગ્રીન ઝોન અને ૨૦ પેડેસ્ટ્રીયન અંડરપાસ હશે.
બ્રીચ કેન્ડી ખાતે પ્રિયદર્શની પાર્ક અને બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા વચ્ચેના દરિયા કિનારાનો આ વિસ્તાર (પ્રોમોનેડ) ૧૫ જૂન સુધીમાં પૂર્ણ થવાનો હતો. જોકે ૨૬મેના રોજ પડેલા ભારે વરસાદ અને ત્યારબાદ સતત દરિયાકિનારે પડેલા વરસાદને કારણે કામમાં અવરોધ નિર્માણ થયો છે. કોસ્ટલ રોડ પ્રોેજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ૨૬ મેના ધોધમાર વરસાદ પછી પ્રોમોનેડનું કામ થોડું ધીમું પડી ગયું છે. વરસાદને કારણે સાઈકલ ટ્રેક નાખવા, કૉંક્રીટીગ અને પૅવર બ્લોક બેસાડવામાં અડચણ આવી રહી છે. આ કામ ઝડપથી પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ વરસાદ ઉપર કામ આધાર રાખે છે. પાલિકાએ હવે પ્રોમોનેડનું કામ ૩૦ જૂન, ૨૦૨૫ સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ પ્રોમોનેડમાં નવ મેઈન એક્સિસ (એન્ટ્રી) પોઈન્ટ છે, જેમાં સેતલવાડ લેન, ટાટા ગાર્ડન, મહાલક્ષ્મી, લોટ્સ જેટી, હાજી અલી જ્યુસ સેન્ટર, એટ્રિયા મૉલ અને વરલીમાં મદ્રાસ વાડીનો સમાવેશ થાય છે. પાલિકાએ અહીં વૉકવે પર એક અદ્ભુત નવો વ્યુઈંગ ડેક ઊભો કરવાની પણ યોજના બનાવી છે. નાગરિકો આ નવા પ્રોમોનેડથી બહુ ખુશ છે પણ અહીં વૃક્ષો વાવવામાં આવ્યા નહીં હોવાને કારણે તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. પાલિકાએ આ બાબતે એવી સ્પષ્ટતા કરી હતી કે આવા બાંધકામ પર વૃક્ષો વાવવા શક્ય નથી. આ માટે કોસ્ટલ રોડ પર લગભગ ૭૦ હેકટર ઓપન સ્પેસ છે, તેમાથી પાંચ હેકટરની જગ્યા પર હરિયાળી વિસ્તાર ડેવલપ કરવામાં આવવાનો છે. જયારે બાકીનો વિસ્તાર રાહદારીઓ માટે ચાલવાને, સાઈકલિંગ ટ્રેક અને પબ્લિક સીટિંગ ઝોન બનાવવામાં આવવાનો છે.
પાલિકાએ તાજેતરમાં ખાનગી કંપનીને કોસ્ટલ રોડ પર ત્રેપન હેકટર રિક્લેમ કરેલી જગ્યાને વિકસાવવા માટે નીમી છે. લગભગ ૪૦૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે આ પ્રોજેક્ટને સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવવાનું છે.
આ પણ વાંચો…કલ્યાણ અને કુર્લા વચ્ચેના પાંચમા અને છઠ્ઠા ટ્રેકનો ઉપયોગ કેમ નથી થઈ રહ્યો?