વિજળીના ગડગડાટ સાથે મુંબઈમાં વરસાદ શરૂ; મુંબઈમાં રવિવારે રેડ અલર્ટ: ભારેથી અતિભારે વરસાદની આગાહી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વિજળીના ગડગડાટ સાથે મુંબઈમાં વરસાદ શરૂ; મુંબઈમાં રવિવારે રેડ અલર્ટ: ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યના અનેક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં શનિવારે દિવસ દરમ્યાન વાદળિયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાતથી અનેક વિસ્તારમાં વીજળીનાં ગડગડાટ સાથે જોશભેર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. આખી રાત ભારે વરસાદ ને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે મુજબ ભારે વરસાદ પડી રહ્યો છે.

આજે સવારના છ વાગ્યા સુધીમાં શહેરમાં ૬૦.૮૦ મિલી મીટર અને પૂર્વ ઉપનગરમાં ૬૩.૭૨ મિલી મીટર ત્યારે પશ્ચિમ ઉપનગર માં ૭૩.૨૫ મિલીમીટર વરસાદ પડ્યો છે. ખાસ કરી ને આજે સવારે પાંચ વાગ્યે થી છ સુધી વરસાદ નું જોર વધારે હતું

હવામાન વિભાગે રવિવાર માટે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ માટે રેડ અલર્ટની ચેતવણી આપી છે. રાજ્ય સરકારે આજથી ત્રણ દિવસ ભારે વરસાની ચેતવણી હોઈ શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવાની અપીલ પણ કરી છે.
એક તરફ દેશના ઉત્તરીય વિસ્તારમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં હજી પણ વરસાદ કાળો કેર વર્તાવી રહ્યો છે. મહારાષ્ટ્રના અનેક જ્લ્લિામાં થયેલી અતિવૃષ્ટિથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે, છતાં વરસાદ હજી થમવાનું નામ લેતો નથી. મુંબઈ સહિત રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં મુંબઈ, થાણે સહિતના વિસ્તારમાં આજે રેડ અલર્ટની ચેતવણી હોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે પાલિકા પ્રશાસન સહિત રાજ્ય સરકાર અલર્ટ થઈ ગઈ છે.

મુંબઈમાં શનિવાર, ૨૭ સપ્ટેમ્બર માટે ઓરેન્જ અલર્ટની ચેતવણી આપવામાં આવી હતી. જોકે વરસાદનું જોર સવારના રહ્યા બાદ દિવસ દરમ્યાન છૂટાછવાયા ઝાપટા જ પડ્યા હતા. શુક્રવારથી શનિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં કોલાબામાં ૫૪.૪ મિ.મી. અને તો સાંતાક્રુઝમાં ૧૧.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં દક્ષિણ મુંબઈમાં ૧૬.૩૯ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૧૧.૨૩ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૮.૮૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

પાલઘરમાં રવિવારની સાથે સોમવાર, ૨૯ સપ્ટેમ્બરના પણ રેડ અલર્ટ રહેશે. તો મુંબઈ, થાણે અને રાયગડમાં ઓરેન્જ અલર્ટ રહેશે. રત્નાગિરી અને સિંધુદુર્ગ સહિત નાશિકમાં પણ ભારેથી ભારે વરસાદ અને પવન ફૂંકાવાની સાથે જ વીજળીના ગડગડાટ સાથે વાવાઝોડાની શક્યતા છે. હવામાન ખાતાની ચેતવણી મુજબ મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને વિદર્ભમાં પહેલી ઑક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા છે.

આ દરમ્યાન શનિવારે પણ મરાઠવાડા રિજનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ રહ્યો હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પહેલાથી પાણીમાં ડૂબેલા હતા, તેમાં પાછું શનિવારે પણ દિવસ દરમ્યાન ભારે વરસાદ રહ્યો હતો. સામાન્ય રીતે દુકાળગ્રસ્ત વિસ્તાર ગણાતા મરાઠવાડા પ્રાંતમાં થયેલી અતિવૃષ્ટિને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અત્યાર સુધી આ રિજનમાં વરસાદને પગલે આવેલા પૂર સહિતની પરિસ્થિતિને કારણે ૨૦ લોકોના મૃત્યુ થયા છે. ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મરાઠવાડા રિજનમાં છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) જાલના, લાતુર, પરભણી, નાંદેડ, હિંગોલી, બીડ અને ધારાશીવ (ઉસ્મનાબાદ) નો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવા પાછળ બંગાળની ખાડી પર નિર્માણ થયેલા લો પ્રેશરને જવાબદાર માનવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૨૬ સપ્ટેમ્બરના બંગાળની ખાડી પર નિર્માણ થયેલું ડિપ્રેશન શનિવારે ૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને ઓળંગી લીધો હતો અને તે ધીમે ધીમે નબળું પડીને લગભગ પશ્ર્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. દક્ષિણ ઓડિશાથી ગોવા, તેલંગણા અને કર્ણાટક સુધી ડિપ્રેશનનો પટ્ટો ફેલાયેલો છે. આ સિસ્ટમને કારણે મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

સપ્ટેમ્બરમાં મુંબઈમાં સરેરાશ ૪૪૫ મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે, જે સામાન્ય માસિક સરેરાશ ૩૮૦ મિ.મી. વરસાદ કરતો ઘણો વધારે છે.

આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં વરસાદથી હાહાકારઃ મહાયુતી સરકાર ભીંસમાં, પક્ષના નેતાઓ જ નારાજ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button