રેલવેએ પ્રવાસીઓ માટે કરી Special Arrangements, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરા માટે લાઈફલાઈન સમાન છે અને નવા વર્ષની ઊજવણીને ધ્યાનમાં રાખીને રેલવેએ પ્રવાસીઓએ માટે ખાસ જોગવાઈ કરી છે. 31મી ડિસેમ્બરના દિવસે લોકલ ટ્રેનો મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.
મધ્ય રેલવે પર સીએસએમટી રાતે 1.13 કલાકે છેલ્લી લોકલ દોડાવવામાં આવશે અને આ લોકલ વહેલી સવારે 3 કલાકે કલ્યાણ પહોંચશે. એ જ રીતે કલ્યાણથી રાતે 1.30 કલાકે લોકલ ટ્રેન રવાના થશે અને 3 વાગ્યે સીએસએમટી પહોંચશે.
મધ્ય રેલવેની જેમ હાર્બર લાઈન પર પણ રાતે 1.30 કલાકે સીએસએમટીથી પનવેલ માટે લોકલ દોડાવવામાં આવશે અને જે પનવેલ 2.55 કલાકે પહોંચશે અને પનવેલથી 1.30 કલાકે રવાના થનારી લોકલ 2.55 કલાકે સીએસએમટી પહોંચશે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો પશ્ચિમ રેલવે પર આઠ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે અને પશ્ચિમ રેલવે પર રાતે 1.15 કલાકે, 2 વાગ્યે, 2.30 કલાકે અને 3.35 કલાકે ચર્ચગેટથી વિરાર માટે લોકલ રવાના થશે અને વિરારથી ચર્ચગેટ માટે રાતે 12.15 કલાકે, 12.45 કલાકે, 1.40 કલાકે અને વહેલી સવારે 3.05 કલાકે દોડાવવામાં આવશે.
રેલવે દ્વારા દોડાવવામાં આવનારી આ તમામ સ્પેશિયલ ટ્રેનો બધા સ્ટેશન પર ઊભી રહેશે. રેલવે દ્વારા આ ખાસ ગોઠવણ નવા વર્ષની ઊજવણીને ધ્યાનમાં લઈને કરવામાં આવી હોવાની માહિતી રેલવે અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.