આમચી મુંબઈ

રેલવેએ ફરી જવાબદારી ખંખેરીઃ વેસ્ટર્ન રેલવેમાં જે ઉપાયો નિષ્ફળ ગયા તે મધ્ય રેલવેમા પ્રવાસીઓના જીવ કેમ બચાવશે?

મુંબઈઃ મુંબઈ અને સમગ્ર મેટ્રોપોલિટન રિજનના લાખો પ્રવાસીઓ રોજ રેલવે દ્વારા મુસાફરી કરે છે. મુંબઈની ઓળખ લોકલ રેલવે પણ છે, તેને લાઈફલાઈન કહે છે, પરંતુ આ લાઈફલાઈન ડેથ ટ્રેપ બની જાય છે અને આવું એકવાર નહીં વારંવાર થાય છે, પરંતુ રેલવે પાસે ઠોસ કહી શકાય તેવો કોઈ એક્શન પ્લાન નથી.

શું થયું સોમવારે સવારે?

સોમવારે સવારે સીએસટીથી કસારા તરફ જતી લોકલમાં ફૂટબોર્ડ પર લટેકલા પ્રવાસીઓમાંથી 12 પ્રવાસી નીચે ટ્રેક પર પડ્યા હતા. આ પ્રવાસીઓમાંથી પાંચના મૃત્યુ થયા છે અને અન્ય ગંભીર રીતે ઘાયલ છે.

શું કહ્યું રેલવે અધિકારીએ

આ મામલે રેલવેના જનસંપર્ક અધિકારી CPRO સ્વપ્નિલ નીલાએ ભેંસ ભાગોડે ને છાશ છાગોડે જેવી વાત કરી જવાબદારી ખંખેરી નાખી છે. તેમણે જણાવ્યું કે જે ઘટના બની છે, CSMT અને કસારા વચ્ચે દોડતી ટ્રેનના ગાર્ડે અમને જાણ કરી હતી, આઠ લોકો પાટા પર પડી ગયા હતા, તેમને હોસ્પિટલ મોકલવા માટે રેલવે દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, તે સવારે 9:50 વાગ્યાની આસપાસ પહોંચી હતી, આ લોકો લોકલ ટ્રેનના ફૂટબોર્ડ પર મુસાફરી કરી રહ્યા હતા. હવે, આવનારી નવી ટ્રેનોમાં ઓટોમેટિક ડોર ક્લોઝર સુવિધા હશે, જેથી આવી ઘટનાઓ ટાળી શકાય. અધિકારીએ જણાવ્યું તે અનુસાર સામાન્ય રેલવેમાં ક્લોઝર ડોર ક્યારે આવશે તે એક મોટો સવાલ છે. વળી, આ પ્રેક્ટિકલ સોલ્યુશન નથી. મુંબઈની લોકલમાં જે રીતે પ્રવાસીઓ પ્રવાસ કરે છે તે જોતા રેલવેએ ફ્રિકવન્સી વધારવાની જરૂર છે.?

પશ્ચિમ રેલવેનો નિષ્ફળ ઉપાય હવે મધ્ય રેલવે અપનાવશે?

રેલવે અધિકારીના નિવેદન બાદ રેલવે પ્રવાસી સંગઠનના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ જણાવ્યું હતું કે નોન એસી લોકલ ટ્રેનને દરવાજા લાવવાનો પ્રયોગ પશ્ચિમ રેલવે કરી ચૂક્યું છે અને તે નિષ્ફળ ગયો છે. હવે તેને મધ્ય રેલવેમાં પણ લાવવાની વાત છે. પણ આ ઉપાય નથી. વારંવાર કહેવામાં આવ્યું છે કે લોકલની ફ્રિક્વન્સી વધારવામાં આવે. એસી લોકલ માટે નોન એસી સાદી લોકલ ઓછી કરવાથી લાખો પ્રવાસીઓ આ રીતે જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર બન્યા છે. તમે એસી લોકલ ભલે લાવો, પણ નોન એસી લોકલની ફેરી ઘટાડો નહીં, તેમ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button