WRમાં કમનસીબ બનાવ: લોકલ ટ્રેનની અડફેટમાં ત્રણ રેલ કર્મચારીએ ગુમાવ્યા જીવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં ટ્રેન અકસ્માતમાં ત્રણ રેલ કર્મચારીએ જીવ ગુમાવ્યા હોવાનો કમનસીબ બનાવ સોમવારે બન્યો હતો. રેલવેના એક અધિકારી સહિત બે કર્મચારી ટ્રેન અકસ્માતનો ભોગ બન્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ દુર્ઘટના સોમવારે રાતના 10.55 વાગ્યાના સુમારે બની હતી. વસઈ રોડ અને નાયગાંવ વચ્ચે (કિલોમીટર 49/18) અપ સ્લો લાઈનમાં લોકલ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તેઓ અકસ્માતના ભોગ બન્યા હતા. મૃતકની ઓળખ વાસુ મિત્રા, સોમનાથ ઉત્તમ, સચિન વાનખેડે (હેલ્પર) તરીકે કરવામાં આવી છે. અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.
વાસુ મિત્રા ચીફ સિગ્નલિંગ ઈન્સ્પેક્ટર (ભાયંદર રહેવાસી) છે, જ્યારે સોમનાથ ઈલેક્ટ્રિકલ સિગ્નલિંગ મેન્ટેઈનર અને સચિન (હેલ્પર) બંને વસઈ રોડના રહેવાસી છે. આ ત્રણેય કર્મચારી પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ડ્યૂટી પર કાર્યરત હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે રાતના સિગ્નલિંગની સમસ્યા ઊભી થયા પછી તેઓ ટ્રેક અને સિગ્નિલિંગ સિસ્ટમ પર ચેક કરવા નીકળ્યા હતા. વસઈ રોડ અને નાયગાંવની વચ્ચે લોકલ ટ્રેન પસાર થતી વખતે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત પછી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માત અંગે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ઈન્ડિયન રેલવે સિગ્નલ એન્ડ ટેલિકોમ મેઈન્ટેનન્સ સંગઠને શોક વ્યક્ત કર્યો હતો તથા ત્રણેયને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.