રેલવેની તત્કાલ ‘નો રિફંડ’ પોલિસી હાઇ કોર્ટમાં પડકારાઈ: પ્રવાસીઓ સાથે છેતરપિંડીનો આરોપ

તત્કાલ ટિકિટ રદ કરવા પર રેલવેએ બે વર્ષમાં ₹ 1,900 કરોડથી વધુની કમાણી કરીઃ RTIમાં ચોંકાવનારો ખુલાસો
મુંબઈઃ રેલવેની ‘નો રિફંડ’ નીતિને હાઇ કોર્ટમાં પડકારવામાં આવી છે, જેમાં તેને મુસાફરો સાથે છેતરપિંડી ગણાવવામાં આવી છે. મુંબઈ સ્થિત એડવોકેટ સચિન તિવારીએ બોમ્બે હાઈ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને રેલવે પર તત્કાલ ટિકિટ બુકિંગમાં સામાન્ય મુસાફરો સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે રેલવે તત્કાલ ટિકિટ રદ કરાવવા પર મુસાફરોને કોઈ રિફંડ આપતું નથી, પરંતુ એ જ ટિકિટ ફરીથી વેચીને બમણા પૈસા કમાય છે.
બુકિંગ સેવામાં ‘નો રિફંડ’ નીતિનીને મનસ્વી અને ગેરકાયદે કહીને પડકારવામાં આવી છે. એવી દલીલ કરવામાં આવી છે કે જો તત્કાલ પર બુક કરાયેલી ટિકિટ કોઈ પણ કારણોસર રદ કરવી પડે, તો મુસાફર એટલે કે ગ્રાહકને એક રૂપિયો પણ પરત ન કરવો તે વાજબી નથી. આનું કારણ એ પણ છે કે રેલવે એક જ ટિકિટ બીજી વખત વેચીને બમણી આવક કમાય છે. આનાથી ફક્ત રેલવેને ફાયદો થાય છે પણ ગ્રાહકને નુકસાન થાય છે.
આ પણ વાંચો : બોલો, 24 રુપિયાના રિફંડ માટે 87,000 ગુમાવ્યા! ઓનલાઈન શોપિંગ ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો…
અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે બુક કરાયેલી ટિકિટ રદ કરતી વખતે સંપૂર્ણ રકમ કાપી લેવી એ ભારતીય બંધારણના કલમ 24 (સમાનતાનો અધિકાર) અને કલમ 21 (જીવનનો અધિકાર) હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
અરજદાર દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ૨૦૨૨માં તત્કાલ ટિકિટ રદ કરવાથી રેલ્વેએ ₹૮૮૭ કરોડથી વધુની કમાણી કરી હતી, જે 2023માં વધીને 1,042 કરોડથી વધુ થઇ ગઈ હતી.
આ પણ વાંચો : ઇન્ડિગોને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મુસાફરોને રવિવાર સાંજ સુધી રિફંડ આપવા નિર્દેશ
લોકો તત્કાલ ટિકિટ બુક કરાવે છે કારણ કે તેમની મુસાફરી તાત્કાલિક અને જરૂરી હોય છે. જો તેમને તાત્કાલિક કારણોસર બુક કરેલી ટિકિટ કેન્સલ કરાવવાની જરૂર હોય, તો તેમને આટલું મોટું નુકસાન કેમ સહન કરવું પડે? એવી દલીલ સાથે દાખલ કરેલી પીઆઈએલમાં અરજકર્તાએ કેટલીક માંગણીઓ કરી છે.
કન્ફર્મ તત્કાલ ટિકિટ રદ કરવા પર વાજબી રકમ પરત કરવી જોઈએ, પરિવારમાં તબીબી કટોકટી અથવા મૃત્યુ જેવા કિસ્સાઓમાં સંપૂર્ણ રિફંડની જોગવાઈ હોવી જોઈએ અને રેલ્વેએ દર વર્ષે તત્કાલ બુકિંગ અને કેન્સલેશનથી થતી કમાણીનો ડેટા જાહેર કરવો જોઈએ.



