ટ્રેનમાં મહિલા પ્રવાસીના દાગીના-રોકડ સહિત 35 લાખની મતા ચોરનારા આરોપીની ધરપકડ…

થાણે: ઇન્દોર-દૌંડ એક્સપ્રેસમાં મહિલા પ્રવાસીના દાગીના અને રોકડ સહિત 35 લાખ રૂપિયાની મતા ચોરનારા રીઢા આરોપીને રેલવે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જોઇન્ટ ઑપરેશન હાથ ધરીને પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ મહેશ ઘાગ ઉર્ફે વિકી તરીકે થઇ હોઇ તેને ચિપલુણથી તાબામાં લેવાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઇન્દોર-દૌંડ એક્સપ્રેસમાં ગુરુવારે રાતે ચોરીની ઘટના બની હતી. ટ્રેન શુક્રવારે સવારના કલ્યાણ સ્ટેશન પહોંચ્યા બાદ મહિલા પ્રવાસીને તેની બેગ ચોરાઇ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેની બેગમાં નેકલેસ, હીરાજડિત બંગડીઓ, સોનાની ઘડિયાળ, વીંટી, રોકડ તથા અન્ય મતા હતી અને બેગ તેણે તકીયા નીચે રાખી હતી.
બેગ ચોરાયા બાદ મહિલાએ રેલવે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આથી કલ્યાણ રેલવે પોલીસ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ આદરી હતી. પોલીસ ટીમે કલ્યાણ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક શખસ ઉતાવળમાં અને શંકાસ્પદ રીતે ટ્રેનમાંથી ઊતરતો નજરે પડ્યો હતો, જેને બાદમાં મહેશ ઘાગ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો. મહેશ ઘાગ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે. દરમિયાન પોલીસે મળેલી માહિતીને આધારે મહેશ ઘાગને ગુનો આચર્યાના 12 કલાકમાં પકડી પાડ્યો હતો અને ચોરેલી મતા જપ્ત કરી હતી. (પીટીઆઇ)