રાયગઢ કોર્ટમાં આરોપી પાસેથી લાંચ સ્વીકારનારા સરકારી વકીલની ધરપકડ
થાણે: ફોજદારી ગુનામાંથી આરોપી અને તેને મિત્રને નિર્દોષ છોડી મુકાય એ માટે મદદરૂપ થવા આરોપી પાસેથી 10 હજાર રૂપિયાની કથિત લાંચ લેવા પ્રકરણે એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ રાયગઢની કોર્ટમાંથી સરકારી વકીલની ધરપકડ કરી હતી.
એસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે પેણ પોલીસે આરોપી અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેમની વિરુદ્ધ રાયગઢની કોર્ટમાં આરોપનામું પણ દાખલ કર્યું હતું. બન્ને આરોપીએ કેસમાંથી તેમને છોડી મૂકવા સંબંધી અરજી પણ કોર્ટમાં કરી હતી.
આ પણ વાંચો : થાણેમાં 10 દેશી બોમ્બ સાથે રાયગડના રહેવાસીની ધરપકડ
આ અરજી વિરુદ્ધ મજબૂત દલીલો ન કરવા માટે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર દિનેશ જનાર્દન પાટીલે બન્ને આરોપી પાસેથી પાંચ-પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી એક આરોપીએ એસીબીના નવી મુંબઈ યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે બુધવારે પેણમાં મૅજિસ્ટ્રેટ કોર્ટમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી પાસેથી 10 હજાર રૂપિયાની લાંચની રકમ સ્વીકારનારા સરકારી વકીલને એસીબીએ પકડી પાડ્યો હતો. આ પ્રકરણે પાટીલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું એસીબીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)