‘તેઓએ તારીખની જાહેરાત કરી નહોતી…’ મહાયુતિની બેઠક રદ થયા બાદ રાહુલ શેવાળેનું નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રમાં શુક્રવારે યોજાનારી મહાયુતિની બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી હતી, એકનાથ શિંદે સાતારા જિલ્લામાં તેમના ગામ જતા રહ્યા છે અને શનિવારે પરત ફરે તેવી શક્યતા છે. તે પહેલા મહાયુતિના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી પ્રમુખ અજિત પવારે દિલ્હીમાં અમિત શાહ સાથે લગભગ બે કલાક સુધી મેરેથોન બેઠક કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓ મુંબઈ પરત ફર્યા હતા અને આજે મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે કેબિનેટની વહેંચણી અંગે ચર્ચા કરવા મુંબઈમાં એક મોટી બેઠક યોજાવાની હતી. હવે શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ રાહુલ શેવાળેએ આ બેઠક અંગે પ્રતિક્રિયા આપી છે.
એવું કહેવાય છે કે અચાનક એકનાથ શિંદે સાતારામાં તેમના ગામ ડેરે ગયા છે, તેથી આજની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. તેઓ સાતારાથી પરત ફર્યા બાદ શનિવારે ફરી આ બેઠક યોજાશે અને તેમાં બાકીના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
બેઠક રદ થયા બાદ ભૂતપૂર્વ સાંસદ રાહુલ શેવાળેએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ‘તેઓએ જૂથ નેતાઓની ચૂંટણીની તારીખ જાહેર કરી નથી. જૂથ નેતાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે અને તેમના નિરીક્ષકો આવશે જે પછી મહાયુતિના નેતાઓ મળશે. હું માનું છું કે મહાયુતિ આગામી એક કે બે દિવસમાં બેઠક કરશે. તેના પર કેન્દ્રીય નેતાઓ દ્વારા મહોર મારવામાં આવશે અને તે પછી મહાયુતિની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવશે, એમ રાહુલ શેવાળેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Fact Check મહારાષ્ટ્ર સરકારે વકફ બોર્ડ માટે ૧૦ કરોડ ફાળવ્યા કે નહીં, જાણો હકીકત
દરમિયાન દિલ્હીમાં બેઠક બાદ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે મુંબઈ પરત ફર્યા હતા. આ બેઠક અંગે કાર્યપાલક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, આ બેઠક સારી અને સકારાત્મક હતી. મહાગઠબંધનના નેતાઓની બીજી બેઠક મુંબઈમાં યોજાશે અને મુખ્ય પ્રધાનના નામ પર નિર્ણય લેવામાં આવશે.