રાહુલ નાર્વેકર ફરી એક વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર સોમવારે 15મી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટાઈ આવ્યા બાદ બધાની શુભેચ્છાઓ સાથે લઈને હું વિધાનસભા અધ્યક્ષ તરીકેનો પદભાર સ્વીકારી રહ્યો છું. તેમણે વિપક્ષને એવું આશ્ર્વાસન આપ્યું હતું કે સત્તાધારી મહાયુતિ પાસે 237 સભ્યોની જંગી સરસાઈ હોવા છતાં વિપક્ષી વિધાનસભ્યોનો અવાજ દબાઈ જવા દઈશ નહીં.
નાર્વેકરે રવિવારે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને વિરોધ પક્ષ મહા વિકાસ આઘાડી (એમવીએ)એ ઉમેદવાર આપ્યો ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા.
આ પણ વાંચો…દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો
અઢી વર્ષ સુધી 14મી વિધાનસભામાં સ્પીકર રહેલા ભાજપના નેતા 20 નવેમ્બરની વિધાનસભા ચૂંટણીમાં મુંબઈની કોલાબા વિધાનસભા બેઠક પરથી ફરી ચૂંટાયા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, નાર્વેકરે ચુકાદો આપ્યો હતો કે બાળ ઠાકરે દ્વારા સ્થાપિત પક્ષમાં વિભાજન પછી એકનાથ શિંદેની આગેવાની હેઠળની પાર્ટી કાયદેસર અને ‘વાસ્તવિક શિવસેના’ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે અજિત પવારની આગેવાની હેઠળનું જૂથ વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) હતો, જેની સ્થાપના શરદ પવાર દ્વારા કરવામાં આવી હતી.