લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનના પડઘા મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પડ્યા, સત્ર મોકૂફ

મુંબઈઃ સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Congress’s Senior leader and Opposition Leader Rahul Gandhi) દ્વારા હિંદુઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટીપ્પણીને પગલે સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ભારે હોબાળો થયો હતો અને ભાજપના વિધાન પરિષદના સભ્યો અને મહાવિકાસ આઘાડી (MVA)ના સભ્યો વચ્ચે જોરદાર બોલાચાલી થઇ હતી.
ધમાલને પગલે અને વારંવાર પરિષદની કાર્યવાહીમાં ખલેલ પડી રહી હોવાના કારણે આખરે આજના દિવસનો કાર્યભાર રદ કરવાની ફરજ પડી હતી. ભાજપના પ્રસાદ લાડે આ મુદ્દો પરિષદમાં માંડ્યો હતો અને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ દેશના હિંદુઓનું અપમાન કર્યું છે. પ્રસાદ લાડે રાહુલ ગાંધીની ટીકા કરતા વિરોધ પક્ષના અંબાદાસ દાનવે તેમ જ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના અને કોંગ્રેસના સભ્યોએ લાડને પ્રત્યુત્તર આપ્યો હતો.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું નિવેદન હિન્દુઓનું અપમાન : અમિત શાહ
પ્રસાદ લાડે આ મુદ્દો ઉઠાવ્યો તેનો વિરોધ કરતા વિરોધ પક્ષ દ્વારા ડેપ્યુટી ચેરપર્સન નિલમ ગોર્હેને દખલ દેવાની માગણી કરી હતી. લાડે રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ગોર્હેએ 425 વાગ્યે પાંચ મીનિટ માટે પરિષદની કાર્યવાહી સ્થગિત કરી હતી.
આ ઉપરાંત, સાડા ચાર વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઇ ત્યારે પ્રવીણ દરેકર સહિતના ભાજપના સભ્યોએ લાડનો સાથ આપ્યો હતો, જેને પગલે ફરી દસ મિનિટ માટે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. જોકે, ત્યાર બાદ વિપક્ષ દ્વારા પણ હોબાળો મચાવવામાં આવતા પરિષદની સોમવારની કાર્યવાહી રદ કરવામાં આવી હતી.