‘આ ઇન્સ્ટીટયુશનલ મર્ડર છે’ મહિલા ડૉક્ટર આત્મહત્યા કેસમાં રાહુલ ગાંધીના ભાજપ સરકાર પર પ્રહાર

મુંબઈ: મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ફલટનમાં 29 વર્ષીય મહિલા ડોક્ટરની આત્મહત્યાને કારણે ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં પોલીસ અધિકારીઓ અને રાજકાણીઓની સંડોવણીની જાણ થઇ છે. એવામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહિલા ડોક્ટરની આત્મહત્યાને “ઇન્સ્ટીટયુશનલ મર્ડર” ગણાવ્યું છે. તેમણે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર હકીકત છુપાવવા અને આરોપીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું, “જ્યારે સત્તામાં બેઠેલા લોકો ગુનેગારો માટે ઢાલ બને છે, ત્યારે ન્યાયની અપેક્ષા કોની પાસે રાખવી? ડોક્ટરનું મૃત્યુ ભાજપ સરકારના અમાનવીય અને અસંવેદનશીલ ચહેરાને ઉઘાડો કરે છે. ન્યાય માટેની આ લડાઈમાં અમે પીડિત પરિવાર સાથે છીએ. ભારતની દરેક દીકરીને ડર નહીં, ન્યાયની જરૂર છે.”
મૃતક મહિલા ડોક્ટર એક સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી હતી. મહિલા ડોક્ટરનો મૃતદેહ ફલટનની હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. તેણે પોતાની હથેળી પર મરાઠીમાં એક નોટ લખી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે ફલટન શહેર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાનેએ તેના પર ચાર વખત બળાત્કાર ગુજાર્યો હતો. તેના મકાનમાલિકના પુત્ર પ્રશાંત બાંકરે મહિનાઓ સુધી તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો.
આ હત્યા છે:
રાહુલ ગાંધીએ લખ્યું, “મહારાષ્ટ્રના સતારામાં બળાત્કાર અને જાતીય શોષણને કારણે ડૉક્ટરની આત્મહત્યા કોઈપણ સભ્ય સમાજના અંતરાત્માને હચમચાવી નાખે એવી છે. અન્ય લોકોને સારવાર કરવાની ઈચ્છા રાખતી એક તેજસ્વી યુવાન ડૉક્ટર ભ્રષ્ટ વ્યવસ્થાના ગુનેગારોના ત્રાસનો ભોગ બની. સત્તા ગુનાહિત વિચારધારાને રક્ષણ આપી રહી છે, આ આત્મહત્યા નથી, પણ ઇન્સ્ટીટયુશનલ મર્ડર છે. “
રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે જેમને ગુનેગારોથી જનતાનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે આ નિર્દોષ મહિલા પર બળાત્કાર ગુજાર્યો. અહેવાલો અનુસાર, ભાજપ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ તો તેને હોસ્પિટલના દસ્તાવેજો સાથે છેડછાડ કરવા દબાણ કર્યું હતું.
પ્રારંભિક મુજબ હોસ્પિટલમાં લાવવામાં આવતા આરોપીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓ તેના પર દબાણ કરતા. તેણે આ અંગે ફરિયાદો કરી હતી, પરંતુ કાર્યવાહી કરવામાં આવી ન હતી.


